Get The App

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન 1 - image


India Reaction On Saudi Arabia And Pakistan Deal : પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા પરસ્પર સંરક્ષણ કરાર પર ભારતે શુક્રવારે પ્રતિક્રિયા આપી છે. આ કરાર હેઠળ જો કોઈ એક દેશ પર હુમલો થાય તો તેને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે વર્ષોથી સતત મજબૂત થઈ રહી છે. અમને આશા છે કે આ ભાગીદારીમાં આપણા પરસ્પર હિતોનું ધ્યાન રાખવામાં આવશે.’

ભારતથી ફફડેલા પાકિસ્તાને અરેબિયા સાથે કરાર કર્યો?

ઉલ્લેખનીય છે કે, પહલગામમાં હુમલો થયા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અનેક ઠેકાણાઓ પર હુમલા કરીને આતંકી અડ્ડાઓનો નષ્ટ કરી દીધા હતા. આ જ કારણે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો હોવાની ચર્ચાઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ પહેલા કહ્યું હતું કે, ભારત આ કરાર મામલે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પરની અસરોનો અભ્યાસ કરશે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમે અમારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં... ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી

પાકિસ્તાન-સાઉદી અરેબિયા વચ્ચે થયા કરાર

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન-સાઉદી સંયુક્ત નિવેદન અનુસાર, આ કરાર બંને દેશો વચ્ચેની આશરે આઠ દાયકા જૂની ઐતિહાસિક ભાગીદારી અને ઈસ્લામિક એકતાના સંબંધો પર આધારિત છે. શરીફે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, બંને દેશો વચ્ચેની વાતચીતમાં વિવિધ મુદ્દાઓ, પ્રાદેશિક પડકારો અને દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ છે. આ સાથે તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સના સતત સમર્થન અને તેમના દેશમાં રોકાણ વધારવાની ઊંડી રુચિની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : 'મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો', યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ

Tags :