For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત કોરોનાના કેસમાં રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યો

- દેશમાં કોરોનાના કુલ કેસ 6.90 લાખ, 4.22 લાખ સાજા થયા

- દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 23,205 કેસ, વધુ 415નાં મોત સાથે મૃત્યુઆંક 19,683 થયો

Updated: Jul 5th, 2020

ભારત કોરોનાના કેસમાં રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યો

દિલ્હીમાં 10,000 બેડનું સરદાર પટેલ કોવિડ સેન્ટર ખુલ્લુ મુકાયું : 1,000 બેડની કામચલાઉ હોસ્પિટલ પણ ઉપલબ્ધ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 5 જુલાઇ, 2020, રવિવાર

ભારતમાં કોરોનાની મહામારી દિવસે ને દિવસે વધુ ફેલાઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના 23,205 કેસ નોંધાતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.90 લાખથી વધુ થઈ ગઈ છે.

આ સાથે કોરોનાના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. રવિવારે કોરોનાથી દેશમાં વધુ 415નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 19,683 થયો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના 4.22 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.

વિશ્વમાં કોરોનાનાની સિૃથતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ ભારતમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 6.95 લાખ થઈ ગઈ છે અને રશિયાને પાછળ રાખીને ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ અમેરિકા 29.55 લાખ કેસ સાથે પહેલાં અને બ્રાઝિલ 15.78 લાખ કેસ સાથે બીજા ક્રમે છે. રશિયામાં કોરોનાના 6.81 લાખ કેસ છે.

જોકે, વિશ્વમાં કોરોનાની સિૃથતિ પર નજર રાખતી અમેરિકાની યુનિવર્સિટી જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ કોરોનાના કેસની બાબતમાં ભારત હજી ચોથા ક્રમે છે. આ યુનિવર્સિટીના આંકડા મુજબ અમેરિકા 28.52 લાખ, બ્રાઝિલ 15.77 લાખ, રશિયા 6.80 લાખ અને ભારત 6.73 લાખ કેસ સાથે અનુક્રમે પહેલાં, બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે. પેરૂ 2.99 લાખ કેસ સાથે પાંચમા ક્રમે છે.

ભારતમાં કોરોનાની સિૃથતિ ખૂબ જ ગંભીર છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રતિ મિલિયન વસતીની દૃષ્ટિએ ભારતમાં કોરોનાના પ્રસારનો દર ઘણો નીચો છે અને રીકવરી રેટ સતત વધી રહ્યો છે.

પીટીઆઈની રાજ્યવાર ટેલીને ધ્યાનમાં લઈએ તો દેશમાં કોરોનાનો રીકવરી રેટ 61.21 ટકા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં 14,675 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,22,586 દર્દી સાજા થઈ ગયા છે.

દરમિયાન દિલ્હીમાં કોરોનાના કેસ એક લાખની નજીક (99,444) પહોંચી ગયા છે ત્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે 10,000 બેડના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું.

આ સેન્ટર કોરોનાની સારવાર માટે વિશ્વના સૌથી મોટા સેન્ટરમાંનું એક છે. બૈજલે જણાવ્યું હતું કે આ કેન્દ્ર કોરોના મહામારી સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. બૈજલે છત્તરપુરમાં સૃથપાયેલા આ કેન્દ્રમાં પથારીઓ, ઓક્સિજન સીલીન્ડર, કોન્સન્ટ્રેટર્સ, વેન્ટિલેટર્સ, આઈસીયુ અને મેડિકલ સ્ટાફની ઉપલબૃધતાની સમિક્ષા કરી હતી. 

બૈજલે આ પ્રસંગે આ સેન્ટર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આઈટીબીપીને અભિનંદન આપ્યા હતા. બીજીબાજુ, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથે દિલ્હીમાં નવી તૈયાર થયેલી 1,000 બેડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ કામચલાઉ હોસ્પિટલમાં આઈસીયુમાં 250 બેડની સુવિધા છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક સંરક્ષણ મંત્રાલયની જમીન પર માત્ર 12 દિવસમાં આ કામચલાઉ હોસ્પિટલ ઊભી કરાઈ છે.

દરમિયાન દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 2.06 લાખથી વધુ થઈ છે જ્યારે મૃત્યુઆંક 8822 થયો છે. તમિલનાડુમાં પણ કોરોનાના કુલ કેસ 1.11 લાખથી વધુ થયા છે જ્યારે મૃત્યુઆંક 1510 થયો છે. દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં 21 રાજ્યોમાં રિકવરી રેટ 61.21ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે.

રસપ્રદ બાબત એ છે કે કોરોનાનો ઊંચો રિકવરી રેટ ધરાવતા રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે, જે કોરોનાના સૌથી વધુ કેસના સંદર્ભમાં ટોચના પાંચ રાજ્યોમાં પણ સામેલ છે. કોરોનાનો રીકવરી રેટ દિલ્હીમાં 71.73, ગુજરાતમાં 71.94 ટકા જ્યારે ઉત્તર પ્રદેશમાં 67.71 ટકા છે. 21 રાજ્યોમાં સૌથી વધુ રીકવરી રેટ ચંડીગઢમાં 85.9 ટકા છે.

Gujarat