ભારત-પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ, દરિયામાં સંભળાશે તોપોનો અવાજ
India-Pakistan Separate Naval Exercises : ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન, બંને દેશો અરબી સમુદ્રમાં બે દિવસ માટે નૌકાદળ સૈન્ય અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના વધેલા તણાવને ધ્યાનમાં રાખીને આ અભ્યાસને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતીય નૌકાદળ પોરબંદર-ઓખા દરિયાકિનારે કરશે સૈન્ય અભ્યાસ
આ અભ્યાસ 11-12 ઓગસ્ટના રોજ યોજાશે. ભારતીય નૌસેનાનો અભ્યાસ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયાકિનારે યોજાશે, જ્યારે પાકિસ્તાનનો અભ્યાસ અહીંથી લગભગ 60 નોટિકલ માઇલ (111.12 કિલોમીટર) દૂર યોજાશે.
બંને દેશો તણાવ બાદ પહેલીવાર યોજાશે સૈન્ય અભ્યાસ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.
ભારતે પાકિસ્તાનના પાંચ ફાઈટર જેટ તોડી પાડ્યા
એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે તાજેતરમાં પુષ્ટિ કરી છે કે, આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનો અને એક મોટા વિમાનને તોડી પાડ્યા હતા. તેમણે તેને સપાટી પરથી હવામાં મારવામાં આવેલો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ ગણાવ્યો છે. આ નૌસૈનિક અભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બંને દેશોની સેનાઓ ઓપરેશન સિંદૂર બાદ સતર્કતાની સ્થિતિમાં છે, જેના કારણે આ અભ્યાસનું મહત્વ વધી ગયું છે.
આ પણ વાંચો : વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ