ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઇટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું
US President Donald Trump Claim : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનો અને યુદ્ધમાં પાંચ ફાઇટર જેટ તૂટ્યા હોવાનો ફરી દાવો કર્યો છે. તેમણે વ્હાઈટ હાઉસમાં મંગળવાર (22 જુલાઈ)એ યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે ખૂબ તણાવ વધી ગયો હતો. મેં યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો અને તેને અટકાવવામાં સફળ થયો. તે વખતે બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ હતી, પાંચ ફાઇટર જેટ તૂટી ગયા હતા અને કોઈપણ સમયે પરમાણુ હથિયારનો ઉપયોગ થવાનો હતો.’
ટ્રમ્પનો 73 દિવસમાં 25 વખત દાવો
ભારત-પાકિસ્તાન વચ્ચે 10 મે-2025ના રોજ સીઝફાયર થયું ત્યારે ટ્રમ્પે પહેલીવાર યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો. અમેરિકન પ્રમુખે છેલ્લા 73 દિવસમાં 25 વખત યુદ્ધ ખતમ કરાવ્યું હોવાનો દાવો કરી ચૂક્યા છે. જોકે દર વખતની જેમ ભારતે પણ ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. ટ્રમ્પે બીજી વખત કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાન ઘર્ષણમાં પાંચ ફાઇટર જેટ તૂટી ગયા હતા. મેં બંને દેશોના નેતાઓને ફોન કર્યો અને ચેતવણી આપી હતી કે, જો લડાઈ નહીં અટકાવો તો અમેરિકા વેપાર અટકાવી દેશે. તે બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે. કોણ જાણે શું પરિણામ આવ્યું હોત, પણ મેં તેને અટકાવી દીધું છે. મેં એક વખત નહીં ઘણીવાર તેઓ સાથે વાતચીત કરી છે.’
ટ્રમ્પનું અંધારામાં તીર ! 5, 5, 4 અથવા 5...
ટ્રમ્પ ભારત-પાકિસ્તાન ઘર્ષણ(India-Pakistan Conflict)ને લઈ અનેક વખત દાવો કરી ચૂક્યા છે. આ પહેલા તેમણે શુક્રવારે કહ્યું હતું કે, ‘ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) વખતે પાકિસ્તાને ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યા હતા. તેમણે આ જ મહિને વ્હાઇટ હાઉસમાં યોજાયેલ ડિનર પાર્ટીમાં કહ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાન એકબીજા પર હુમલા કરી રહ્યા હતા અને ચાર-પાંચ વિમાનો હવામાં જ તોડી પડાયા હતા. 5, 5, 4 અથવા 5, મને લાગે છે કે, પાંચ વિમાનો તોડી પાડ્યા હતા.’
પાકિસ્તાનના છ ફાઇટર જેટ તોડી પડાયા : ભારતનો દાવો
સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોએ ટાંકીને કહ્યું હતું કે, ‘ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના છ ફાઇટર જેટ, ત્રણ એરક્રાફ્ટ અને 10થી વધુ ડ્રોન અને ક્રૂઝ મિસાઇલો તોડી પાડી હતી. ભારતે 6થી 10 મે દરમિયાન પાકિસ્તાનના પંજાબ અને PoKમાં આતંકવાદીઓને ઠેકાણાઓ પર હુમલો કર્યા, ત્યારબાદ પાકિસ્તાને પણ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારતે માત્ર વળતો જવાબ જ નહીં, પરંતુ પાકિસ્તાનને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.