'ભારતે મદદ ના કરી હોત તો આપણે નાદાર થઈ ગયા હોત', આ પડોશી દેશના પૂર્વ પ્રમુખનું મોટું નિવેદન
Image: IANS |
Maldives-India Relationship: ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. જોકે, થોડા સમય પહેલાં બંને દેશોના સંબંધ વચ્ચે થોડો તણાવ જોવા મળ્યો હતો પરંતુ, ભારત હંમેશા માલદીવ માટે તૈયાર રહ્યું છે. હવે બંને દેશોના સંબંધ ફરી એકવાર મજબૂત થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી 25-26 જુલાઈએ માલદીવની યાત્રા પર જઈ રહ્યા છે. જ્યાં તેઓ માલદીવની આઝાદીની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિના રૂપે સામેલ થશે. આ દરમિયાન માલદીવના પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે મહત્ત્વની વાત કરી છે.
આર્થિક મદદ માટે આભાર
હકીકતમાં માલદીવના પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે ભારતે કરેલી આર્થિક મદદ માટે ખુલ્લા મનથી આભાર માન્યો છે. નશીદે કહ્યું કે, 'જો ભારત ન હોત તો અમે નાદાર થઈ જાત. માલદીવ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું અને અમારા માથે દેવું પણ સતત વધી રહ્યું હતું, ત્યારે ભારતની સમયસર મળેલી સહાયે દેશને નાદાર થતાં બચાવી લીધો.
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ, જુઓ આંકડાનો ખેલ
બંને દેશોની નીતિમાં સ્થિરતા
નશીદે ભારત સાથેના સંબંધને ફક્ત આર્થિક મદદ સુધી સીમિત ન રાખતાં કહ્યું કે, આ ભાગીદારી વિશ્વાસ અને ક્ષેત્રીય સહયોગ આધારિત છે. ભારત સાથે સંરક્ષણ સહયોગ... સમુદ્રી સુરક્ષા અને ડિઝાસ્ટર રિસ્પૉન્સ જેવા મુદ્દા પર અમારી ભાગીદારી ખૂબ જરૂરી છે. બંને દેશોની નીતિમાં હવે સ્થિરતા આવી ગઈ છે અને માલદીવની 'ઇન્ડિાયા ફર્સ્ટ' નીતિ પહેલાથી વધુ મજબૂત બની છે.
આ સાથે જ ભારતના આર્થિક વિકાસના વખાણ કરતાં નશીદે કહ્યું કે, 'ભારત હવે ચાર ટ્રિલિયન જીડીપી સાથે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ભારતની 'Neighbourhood First' નીતિના કારણે માલદીવ જેવા દેશને ભારતની આર્થિક ગતિ સાથે જોડાવાની તક મળી.'
પર્યટન ઉદ્યોગને મળશે નવી દિશા
નશીદે આશા વ્યક્ત કરી કે, વડાપ્રધાન મોદીની યાત્રા પર્યટનને પણ નવી દિશા આપશે ખાસ કરીને ઉત્તર માલદીવમાં. ભારતની મદદથી બની રહેલું હનીમાડૂ ઍરપોર્ટ હવે લગભગ તૈયાર છે અને આ દક્ષિણ ભારતના શહેરોથી એક કલાકની દૂરી પર હશે. આ સંપર્ક બંને દેશોના પર્યટન અને વેપારના ક્ષેત્રે નવી ઊંચાઈ લાવશે. વડાપ્રધાનની યાત્રા ભારત-માલદીવ સંબંધોને નવી મજબૂતી આપવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.