ભારત આર્થિક પાયમાલીના આરે લોકોમાં ભારે નારાજગી : રાહુલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં કોંગ્રેસ નેતાનો મોટો દાવો
- 2047માં વિકસિત ભારત બનાવવાના દાવા કરનારી સરકાર ત્રણ હજાર વર્ષે પણ કઇ નહીં કરી શકે : કોંગ્રેસ નેતા
- રોજગારી આપનારા લઘુ, નાના ઉદ્યોગો જ ભારતની કરોડરજ્જુ છે જેને સરકારે તોડી નાખી હોવાનો દાવો
ન્યૂયોર્ક : ભારત આર્થિક હોનારત પર બેઠો છે, પાયમાલીના આરે છે આ દાવો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યો હતો. ન્યૂયોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કેટલાક સવાલોના જવાબમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું, ભારતની શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી, આર્થિક, સ્વાસ્થ્ય સહિતના મુદ્દા પર વાતચીત કરી હતી. જ્યારે ભાજપે રાહુલના આ નિવેદનને ભારત વિરોધી ગણાવ્યું હતું.
મંગળવારે સવારે અમેરિકાના ન્યૂયોર્કમાં પહોંચેલા રાહુલ ગાંધીએ કોલમ્બિયા યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સને સંબોધ્યા હતા, રાહુલે કહ્યું હતું કે નાના ઉદ્યોગ-વેપાર, કૃષિ વગેરે ભારતનું કરોડરજ્જુ છે, જેના દ્વારા જ ભારતમાં નોકરીઓનું પ્રમાણ વધે છે. હાલમાં ભારતના આ કરોડરજ્જુને તોડી નાખવામાં આવ્યું છે. માત્ર સર્વિસ સેક્ટરમાં તમામ લોકોને નોકરી ના આપી શકો, ભારતમાં ખાનગી રોકાણ પણ નબળુ પડી ગયું છે કેમ કે કેટલાક ઉદ્યોગપતિઓનો બિઝનેસ જ વિસ્તરી રહ્યો છે.
જેન-ઝી આંદોલન વિશે વાત કરતા રાહુલે દાવો કર્યો હતો કે આ અચાનક શરૂ થયેલું આંદોલન નથી, છેલ્લા એક દસકાની અસર છે. દલિત, આદિવાસી, ખેડૂતો તમામ લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આદિવાસીઓ પાસેથી જમીન ઝૂંટવી લેવામાં આવી રહી છે, તેમની સાથે કોઇ જ ચર્ચા કરવામાં નથી આવતી. કેન્દ્ર સરકાર વિકસિત ભારતનું લક્ષ્યાંક હવે ૨૦૪૭ રાખી રહી છે, જેને લઇને કટાક્ષ કરતા રાહુલે કહ્યું હતું કે પહેલા આ લક્ષ્યાંક વર્ષ ૨૦૨૦ હતું, પછી ૨૦૨૩૫ થયું અને હવે ૨૦૪૭ કરવામાં આવ્યું, આગામી દિવસોમાં ત્રણ હજાર વર્ષ પણ થઇ શકે છે. ભારતના જીડીપીનો આંકડો ભ્રામક છે, દેશ સમક્ષ હાલ બેરોજગારી અને શિક્ષણના મુદ્દા છે જેની સામે આંખ આડા કાન ના કરી શકાય. ભારત હાલ એક આર્થિક આફત પર બેઠો છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર જવાબ આપતા ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો, ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વિદેશમાં જુઠ ફેલાવીને ભારતને બદનામ કરી રહ્યા છે. જ્યારે પણ રાહુલ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા પ્રયાસ કરે છે. તેઓ અપરિપક્વ, ગેરજવાબદાર અને ભારત વિરોધી છે. જ્યારે ભાજપના આરોપોનો જવાબ આપતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે સરકારને ભારતની નબળી આર્થિક સ્થિતિની કોઇ જ ચિંતા નથી, સરકારને મોંઘવારીની પણ કઇ જ પડી નથી, સરકારને માત્ર અને માત્ર રાહુલ ગાંધી શું બોલી રહ્યા છે તેની જ ચિંતા છે.




