India-European Union Free Trade Agreement Deal : યુરોપીયન સંઘ (EU)ના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેન આજે ભારતની ચાર દિવસની મુલાકાતે આવી ગયા છે. આ ઉપરાંત યુરોપીયન પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા પણ આવતીકાલે 25 જાન્યુઆરીએ ભારત આવી રહ્યા છે. ઈયુના અધ્યક્ષાની ભારત મુલાકાતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત-ઈયુ આજસુધી વિશ્વમાં કોઈપણ દેશે ન કરી હોય તેવી ‘ગેમ ચેન્જર ડીલ’ કરવાની તૈયારીમાં છે. ઈયુના અધ્યક્ષા અને એન્ટોનિયા કોસ્ટા સૌપ્રથમ 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે. ત્યારબાદ 27 જાન્યુઆરીએ ભારત-ઈયુ વચ્ચે મોટી બેઠક યોજાવાની છે, જેમાં તેઓ મોટા વેપારી કરાર પર હસ્તાક્ષર કરવાના છે.
ભારત-EU વચ્ચે FTA કરારથી ટ્રમ્પને લાગશે ઝટકો
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિતના દેશો પર મસમોટો ટૅરિફ ઝિંકીને સંબંધો બગાડી રહ્યા છે, ત્યારે ભારતે અમેરિકાના ટૅરિફને જડબાતોડ જવાબ આપવા માટે અનેક દેશો સાથે સંબંધો વધારવાની સાથે વેપાર કરાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભારત પોતાના ગાઢ મિત્ર દેશો સાથે વેપાર ભાગીદારી પણ વધારી રહ્યું છે. તાજેતરમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત ભારત -બ્રાઝિલ વચ્ચે પણ ટૂંક સમયમાં વેપાર કરાર પર મહત્ત્વનો નિર્ણય થવાનો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA)ની જાહેરાત થવાની છે, જેના કારણે ટ્રમ્પને મોટો ઝટકો લાગવાનો છે.
આ પણ વાંચો : ભારતની મુલાકાત બાદ UAEના પ્રમુખે પાકિસ્તાનને આપ્યો ઝટકો, જાણો શું થયું
PM મોદી અને EUના અધ્યક્ષા વચ્ચે યોજાશે બેઠક
મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈયુના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર વચ્ચે શિખર બેઠક યોજાવાની છે, જેમાં સૌથી મહત્ત્વનો મુદ્દે મુક્ત વેપાર કરાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કરાર ઘણા લાબા સમયથી અટકેલો છે, જોકે 27મીએ યોજાનાર બેઠકમાં આ કરાર અંગે મોટી જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત બંને તરફથી વ્યૂહાત્મક સંરક્ષણ સમજૂતીને પણ અંતિમરૂપ આપવામાં આવશે. FTA ડીલ થયા બાદ ભારતના ઉત્પાદનો યુરોપીય સંઘમાં ઓછા અને મુક્ત ટૅરિફે આયાત થશે, જ્યારે યુરોપીય સંઘ પણ આવી રીતે જ ભારતમાં આયાત કરી શકશે.
આજસુધી કોઈપણ દેશે આવી ડીલ કરી નથી : ઉર્સુલા વોન ડેર લેયેન
યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘યુરોપિયન યુનિયન ભારત સાથે એવી ડીલ કરવાની તૈયારીમાં છે, જે આજસુધી કોઈપણ દેશે કરી નથી. આ ડીલથી 27 દેશોને મોટી રાહત થશે.’ બીજીતરફ ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ ભારત-ઈયી વેપાર કરારને ‘મધર ઑફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો છે.
મુક્ત વેપાર કરારથી ભારતને શું ફાયદો ?
ભારત અને યુરોપીય સંઘ વચ્ચે 2024-2025માં લગભગ રૂ.11.8 લાખ કરોડ (136.5 અબજ ડૉલર)નો વેપાર થયો હતો. આમાં ભારતે રૂ.6,59,460 કરોડ(75.8 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી, જ્યારે યુરોપીયન સંઘે રૂ.5,28,090 કરોડ(60.7 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી. જોકે હવે બંને વચ્ચે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો હોવાથી ભારતની નિકાસ ઝડપી વધશે. યુરોપના સર્વિસ સેક્ટરથી લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતની નિકાસમાં ધરખમ વધારો થશે.
આ પણ વાંચો : રાતના અંધારામાં સમુદ્રની વચોવચ રશિયાનો મોટો 'ખેલ'! અમેરિકા લાચાર, ભારત-ચીનને ફાયદો
‘મુક્ત વેપાર કરાર’થી ભારતને થતા 10 મહત્ત્વના ફાયદા
1... ભારતની નિકાસ ઝડપથી વધશે
2... મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટની નિકાસ વધતા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે
3... મેન્યુફેક્ચરિંગ, આઇટી, ડિજિટલ સર્વિસ, લોજિસ્ટિક અને MSME સહિતના સેક્ટરોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો નોકરીઓની તકો ઊભી થશે.
4... ભારતીય પ્રોફેશનલ્સને યુરોપમાં કામ કરવાની વધુમાં વધુ તક મળશે.
5... ભારતીય કંપનીઓ યુરોપમાં એન્ટ્રી પણ કરી શકે અને પોતાનો કારોબાર પણ વધારી શકશે.
6... ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચીન પર ભારતની નિર્ભરતામાં ઘટાડો થશે.
7... અમેરિકાએ ટૅરિફથી યુરોપ સાથે સંબંધો બગાડ્યા છે. આવી સ્થિતિમાં ભારત યુરોપમાં વધુમાં વધુ આયાત કરીને મોટું માર્કેટ બની શકે છે.
8... જો ભારતના સ્ટાર્ટઅપ યુરોપમાં રોકાણ કરશે તો તેમને મોટો લાભ થશે.
9... ડીલના કારણે ભારત-યુરોપીયન સંઘ વચ્ચેનો કારોબાર 136 અબજ ડૉલરથી વધીને 200-250 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે.
10... અમેરિકા ટૅરિફથી ભારત-યુરોપીયન સંઘ પર દબાણ કરી રહ્યું છે, જોકે ડીલ બાદ બંનેની આયાત-નિકાસમાં વધારો થવાની બંનેના અર્થતંત્રને ગતિ મળશે.
ભારતે તાજેતરમાં જ UAE સાથે કરી મોટી ડીલ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન 19 જાન્યુઆરીના રોજ ભારતની 4 કલાકની મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ ઍરપોર્ટ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ એક જ કારમાં બેસી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે હું મારા ભાઈને લેવા જાતે જ ઍરપોર્ટ પર આવ્યો છું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ વચ્ચે થયેલી બેઠકની માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે વેપારના મોરચે 2022માં બંને દેશોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે પછી બંને દેશો વચ્ચે 100 બિલિયન ડૉલરનો કારોબાર થયો છે. તેને જોતાં બંને નેતાઓએ લક્ષ્યને વધારવાનો નિર્ણય કર્યો છે. જે 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી 200 અબજ યુએસ ડૉલર સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે MSME ઉદ્યોગો માટે નિકાસને પશ્ચિમ એશિયાઈ, આફ્રિકન અને યુરેશિયન પ્રદેશોમાં તે સરળ બનાવવામાં આવશે'
ભારત બ્રાઝિલ સાથે પણ કરશે મોટી વેપાર ડીલ
ભારતે તાજેતરમાં જ યુએઈ સાથે વેપાર ડીલ કર્યા બાદ હવે બ્રાઝિલ સાથે ડીલ કરવાની તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા (Brazil President Luiz Inácio Lula da Silva) બંને 22 જાન્યુઆરીએ ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય એજન્ડા પર ચર્ચા કરવાની સાથે સિલ્વાના ભારત પ્રવાસ અંગે પણ વાતચીત કરી હતી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે વેપાર સંબંધ અંગે તેમજ વ્યૂહાત્મક ભાગીદાર પર ચર્ચા કરવામાં આવી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સિલ્વા તા.19થી 21 જાન્યુઆરી સુધી ભારતનો પ્રવાસ કરવાના છે. આ દરમિયાન બંને નેતાઓ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને દેશોની ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધો, વેપાર, વૈશ્વિક સ્થિતિ, ગાઝા અને વિશ્વ શાંતિ, બહુપક્ષીયતા, લોકતંત્રની સુરક્ષા, ગ્લોબલ સાઉથ, અમેરિકન ટૅરિફ સહિતના મુદ્દા સામેલ છે.


