UAE Pakistan Deal Cancelled : ભારતની સફળ મુલાકાત બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને મોટો આર્થિક ઝટકો આપ્યો છે. મિડિલ ઈસ્ટ આઈ (MEE)ના અહેવાલ મુજબ, યુએઈએ પાકિસ્તાનના ઈસ્લામાબાદ એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળવાની મહત્વની ડીલ તોડી નાખી છે. આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન માટે આ પ્રોજેક્ટનું ખાનગીકરણ ખૂબ જ મહત્ત્વનું હતું. જોકે ઓગસ્ટ 2025માં ડીલ પર સહમતિ થયા બાદ હવે યુએઈએ પ્રોજેક્ટ ખસી જવાનો નિર્ણય લીધો છે.
સાઉદી-યુએઈ વચ્ચેની તિરાડમાં ફસાયું પાકિસ્તાન
મીડિયા રિપોર્ટ મુજબ, સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે યુએઈએ આ ડીલ તોડી હોવાનું કહેવાય છે. પાકિસ્તાને તાજેતરમાં સાઉદી અરેબિયા સાથે ડિફેન્સ પેક્ટ સાઈન કર્યો છે, જેમાં હવે તુર્કી પણ જોડાય તેવી શક્યતા છે. પાકિસ્તાન વર્ષોથી સાઉદી અરેબિયાની સેનાને ટ્રેનિંગ અને સલાહકારો પૂરા પાડે છે, જેના બદલામાં રિયાધ દ્વારા ઈસ્લામાબાદને અબજો ડોલરની આર્થિક મદદ કરવામાં આવે છે. પાકિસ્તાનનું સાઉદી તરફનું આ વધતું ઝુકાવ યુએઈને પસંદ પડ્યું નથી.
આ પણ વાંચો : રાતના અંધારામાં સમુદ્રની વચોવચ રશિયાનો મોટો 'ખેલ'! અમેરિકા લાચાર, ભારત-ચીનને ફાયદો
ભારત-યુએઈ-ઈઝરાયેલનું નવું સુરક્ષા ગઠબંધન
એક તરફ પાકિસ્તાન સાઉદી અરેબિયાની નજીક જઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ યુએઈએ ભારતના રસ્તે ઈઝરાયેલ સાથે નવા સૈન્ય સંબંધો વિકસાવવાનું શરૂ કર્યું છે. યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે 'લેટર ઓફ ઈન્ટેન્ટ' પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી હેઠળ યુએઈ ભારતને ત્રણ અબજ ડોલરની ગેસ સપ્લાય કરશે અને ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ ઝોન વિકસાવશે.
યુએઈ ભારત પાસેથી ખરીદશે હથિયારો
સૌથી મહત્વની બાબત એ છે કે, યુએઈ હવે ભારત દ્વારા ઈઝરાયેલી હથિયારો ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. ઈઝરાયેલની કેટલીક અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ, જેમ કે બરાક-8 એર ડિફેન્સ સિસ્ટમ અને એડવાન્સ ડ્રોન હવે ભારતમાં બને છે. યુએઈ સીધા ઈઝરાયેલથી ખરીદવાને બદલે ભારત મારફતે આ હથિયારો મેળવવા માટે વાતચીત કરી રહ્યું છે.
આ પણ વાંચો : ભારત-યુરોપ વચ્ચે 'મધર ઓફ ડીલ્સ' પહેલા અમેરિકા અકળાયું? ટ્રમ્પના મંત્રીનો મોટો દાવો


