ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India China Border Talks Beijing: ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની(LAC) સ્થિતિને લઈને બેઇજિંગમાં વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન ઍન્ડ કોઓર્ડિનેશનની(WMCC) એક મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠક અંગે વિદેશ મંત્રાલયે(MEA) જણાવ્યું કે, બંને દેશો વચ્ચેની વાતચીત અત્યંત સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યલક્ષી રહી છે. બંને પક્ષોએ સ્વીકાર્યું છે કે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાને કારણે જ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં પ્રગતિ થઈ શકી છે.
આગામી મોટી બેઠક હવે ચીનમાં યોજાશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન હવે પછીની 'સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ'(SR)ની બેઠક માટે નક્કર તૈયારીઓ કરવા સંમત થયા છે, જે હવે ચીનમાં યોજાવાની છે. આ પહેલાં, ગયા વર્ષે ઑગસ્ટમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે નવી દિલ્હીમાં 24મી સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ બેઠક યોજાઇ હતી, જેમાં સરહદ પર શાંતિ જાળવવા માટે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.
કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
આ બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ વ્યવસ્થાપન, સરહદ રેખાંકન, મિકેનિઝમ બિલ્ડિંગ અને ક્રોસ-બોર્ડર કોઓપરેશન જેવા મહત્ત્વના વિષયો પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ભારતીય પક્ષે સરહદ પારથી વહેતી નદીઓના મુદ્દે આગામી નિષ્ણાત-સ્તરની બેઠક વહેલી તકે યોજવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) સુજીત ઘોષે કર્યું હતું, જ્યારે ચીન તરફથી ત્યાંના સરહદ અને મહાસાગર બાબતોના વિભાગના મહાનિર્દેશક હૌ યાનકી હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : 'પેપર લીક થાય પણ મેયરના નામ નહીં...', સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ
ગલવાન હિંસા પછી સંબંધો સુધારવા તરફ મોટું કદમ
વર્ષ 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ અને ત્યારબાદ ચાર વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ પછી, છેલ્લા એક વર્ષથી બંને દેશો સંબંધોને ફરીથી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઑક્ટોબર 2024માં ડિસએન્ગેજમેન્ટ થયું. બંને દેશોએ પૂર્વી લદ્દાખના છેલ્લા બે વિવાદિત પોઇન્ટ્સ- ડેપસાંગ અને ડેમચોકમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા માટે કરાર કર્યો હતો. મોદી-જિનપિંગ મુલાકાત બાદ સમજૂતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે રશિયાના કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજીને સંબંધો સુધારવા માટેના મહત્ત્વના નિર્ણયો લીધા હતા.
પરસ્પર સન્માન પર ભાર
ગયા વર્ષે ઑગસ્ટમાં ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી એસસીઓ(SCO) સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પરસ્પર વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતાના આધારે ચીન સાથેના સંબંધો આગળ વધારવા માટે કટિબદ્ધ છે. હવે બેઇજિંગમાં યોજાયેલી આ રાજદ્વારી બેઠક બાદ આશા જાગી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત અને સ્થિર બનશે.









