For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગલવાન ખીણમાં તણાવ વચ્ચે ચીન સાથે ચર્ચા, બંને બાજુ 1000-1000 જવાનો તૈનાત

ચીને પૈંગોંગ લેક ક્ષેત્ર પાસે પોતાની તૈનાતી વધારી જે બંને દેશ વચ્ચે વ્યાપેલા તણાવનો અંત લાવવામાં નડતરરૂપ

Updated: Jun 22nd, 2020

ગલવાન ખીણમાં તણાવ વચ્ચે ચીન સાથે ચર્ચા, બંને બાજુ 1000-1000 જવાનો તૈનાત

લદ્દાખ, તા. 22 જૂન 2020, સોમવાર

ગત 15 જૂનના રોજ ગાલવાન ઘાટી ખાતે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી અને ત્યાર બાદ સરહદ પર એક વિચિત્ર પ્રકારની શાંતિ પ્રવર્તી રહી છે. જો કે તણાવ તો હજુ પણ અકબંધ જ છે. આ મામલે અત્યાર સુધીમાં અનેક વખત બંને દેશ વચ્ચે ચર્ચા થઈ ચુકી છે પરંતુ કોઈ વિવાદ નથી થયો. જો કે બંને પક્ષે એક-એક હજાર કરતા પણ વધારે સૈનિકો તૈનાત છે. આ સ્થિતિ વચ્ચે સોમવારે ફરી એક વખત બંને દેશની સેનાઓ ચર્ચા કરશે. 

ગાલવાન ઘાટીના PP 14 ક્ષેત્રમાં હવે બંને દેશની સેનાઓ પોતાને વધુ મજબૂત બનાવવા તૈયારી કરી રહી છે. ચીની સેના એટલે કે PLA વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ખાતે આર્ટિલરી અને ટેન્ક સાથે ઉપસ્થિત છે. તો આ તરફ ભારતીય સેના પણ સંપૂર્ણપણે તૈયાર છે અને પોતાની તૈનાતીને વધુ મજબૂત બનાવી રહી છે. 

એક અધિકારીએ ગાલવાન ઘાટીની વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું કે, 'જમીન પર કોઈ ખાસ ફેરફાર નથી આવ્યો. 15મી જૂન બાદ કોઈ અથડામણ નથી થઈ પરંતુ સ્થિતિ ખૂબ જ તણાવભરી છે. ગાલવાન અને પૈંગોંગ ત્સો ખાતે આવી જ સ્થિતિ છે.'

જાણવા મળ્યા મુજબ ચીન તરફ હલચલ વધી રહી હોવાનું જણાતા ભારતીય સેના પણ પોતાની તૈયારી કરી રહી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેનું એક કારણ 15મી જૂનની ઘટના બાદ બંને દેશની સેનાઓ વચ્ચે વિશ્વાસ ઘટી ગયો છે તે પણ છે. હાલ બંને દેશ વચ્ચે ચર્ચા ચાલી રહી છે પરંતુ કોઈ સફળતા નથી મળી. આ સંજોગોમાં ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમાં ચીની સેનાને પૈંગોંગ લેક ખાતેથી પાછી મોકલવાનો પણ સમાવેશ થાય છે. PLA છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં કેમ્પ નાખીને બેસી ગઈ છે.

બંને દેશની સેનાએ પહેલા સૈનિકોની પીછેહઠ માટે તૈયારી દર્શાવી હતી પરંતુ ચીને તેનું ઉલ્લંઘન કરીને પોસ્ટનું નિર્માણ કરી દીધું. ચીને પૈંગોંગ લેક ક્ષેત્ર પાસે પોતાની તૈનાતી વધારી દીધી છે જે બંને દેશ વચ્ચે વ્યાપેલા તણાવના અંતમાં આડખીલીરૂપ છે. ચીને ફિંગર 4થી લઈને ફિંગર 8 સુધી પોતાની ઉપસ્થિતિ વધારી છે જે વિવાદિત વિસ્તાર છે. આ સંજોગોમાં ચીનની આ ચાલ પાછળ તે સ્થિતિ બદલવા માંગે છે તેવો ખોટો ઈરાદો જણાઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે ફિંગર 4 પાસે મોટી સંખ્યામાં ચીની સૈનિકો ઉપસ્થિત છે. 

ઉલ્લેખનીય છે કે પૈંગોંગ લેકને 8 ફિંગરમાં વહેંચવામાં આવ્યું છે. આસપાસની પહાડીઓનો જે ભાગ સરોવર બાજુ નીકળે છે તેને ફિંગર માનવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં ફિંગર 4 સુધી ભારતની સેના ઉપસ્થિત રહે છે અને ચીનની સેના ફિંગર 8 પર રહે છે. તેની વચ્ચેની જગ્યા વિવાદિત છે જ્યાં બંને સેનાઓ પેટ્રોલિંગ કરે છે. 

ભારતના કહેવા પ્રમાણે ફિંગર 8 સુધી તેનું ક્ષેત્ર છે માટે ચીને પીછેહઠ કરવી જોઈએ. આ કારણે બંને દેશ વચ્ચે સતત વિવાદ થતા રહે છે. 15મી જૂનના રોજ પણ આ મુદ્દે વિવાદ થયો હતો અને ત્યાર બાદ ભારતનું વલણ વધારે કડક બન્યું છે. ભારત સરકારે પણ છૂટ આપી દીધી છે કે આપણા જવાનોની જિંદગીનો સવાલ હોય તો કોઈ પ્રોટોકોલની પરવા કરવાની જરૂર નથી. 

Gujarat