ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે, સરકારે એરલાઈન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ
India-China Flight: આગામી મહિનાની શરૂઆતથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ સર્વિસની શરૂઆત થઈ શકે છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ વધી ગઈ હતી. અંદાજિત 5 વર્ષ બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં ફરીથી સુધારો થતો જોવા મળી રહ્યો છે.
ભારત સરકારે કહ્યું કે, એર ઈન્ડિયા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સોને કહ્યું કે, ચીન માટે તાત્કાલિક ફ્લાઇટ શરૂ કરવા માટે તૈયાર રહો. કોરોનાકાળ બાદ આ સર્વિસ બંધ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર
SCO મીટિંગમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત
કોરોના મહામારી પહેલા બંને દેશો વચ્ચે દર મહિને 539 સીધી ફ્લાઈટની અવરજવર રહેતી હતી. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ સર્વિસને ફરીથી શરૂ કરવાની તૈયારીઓની સત્તાવાર જાહેરાત ઓગસ્ટના અંતમાં થનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન થઈ શકે છે.
ભારતે ચીની પ્રવાસીઓને ફરી વિઝા આપવાનું શરૂ કર્યું
હાલના મહિનાઓમાં બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ભારત અને ચીન પર એકતરફી ટેરિફ લગાવ્યો છે, તેનો બંને દેશોએ એકસુરમાં વિરોધ કર્યો છે. ભારત સરકારે 24 જુલાઈથી ચીની પ્રવાસીઓને ફરીથી વિઝા આપવાનું પણ શરૂ કરી દીધું છે.