ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર
(IMAGE - IANS) |
US China Trade Tariff: ટેરિફ બાબતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે કડક વલણ અપનાવી રહ્યા છે તો સામે ચીન પ્રત્યે તેમનું વલણ અચાનક જ નરમ પડી ગયું હોય એવું લાગી રહ્યું છે. જ્યારથી ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી છે ત્યારથી જ યુએસ-ચાઈના ટ્રેડ વોર ચરમસીમા પર પહોંચી ગયું હતું, પરંતુ હવે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થઈ રહ્યો છે. તેમજ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાગુ કરવાની ડેડલાઇન 90 દિવસ વધારી દીધી છે. એક બીજી ખાસ વાત એ છે કે ટ્રમ્પ ટેરિફથી બ્લેકમેઈલ કરીને ચીનને સોયાબીન વેચવા માંગે છે.
ટ્રમ્પે ચીન પર ટેરિફ લાગુ કરવાની ડેડલાઇન 90 દિવસ વધારી દીધી
યુએસ ચીન ટ્રેડ વોર વચ્ચે સોમવારે ટ્રમ્પે ચીન પર ટેરિફ લાગુ કરવાની ડેડલાઇન આગામી 90 દિવસ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ પહેલાં 2 એપ્રિલે જ્યારે ટ્રમ્પે દુનિયાના તમામ દેશો પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી હતી, ત્યારે તણાવ બાદ મે મહિનામાં જિનીવામાં થયેલી ચર્ચામાં પણ તેને ટાળવામાં આવ્યું હતું અને હવે ફરી એક વાર ચીન માટે આ ડેડલાઈન 90 દિવસ માટે વધી ગઈ છે.
12 ઑગસ્ટે પૂરી થવાની હતી ડેડલાઈન
ટ્રમ્પ દ્વારા ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને લાગુ કરવા માટે આપવામાં આવેલી છૂટ 12 ઑગસ્ટે પૂરી થવાની હતી, પરંતુ એ પહેલાં જ ચીનને ફરી ટ્રમ્પ દ્વારા રાહત આપી દેવામાં આવી છે. જિનીવા બેઠક પછી અમેરિકાએ ચીની માલ પર ટેરિફ ઘટાડીને 30% કર્યું હતું. આ ઉપરાંત, ચીને દુર્લભ ધાતુની નિકાસ ફરી શરૂ કરી હતી. અહીં એ જાણવું પણ જરૂરી છે કે અમેરિકાએ શરૂઆતમાં ચીની આયાત પર ટેરિફ વધારીને 145% સુધી કરી દીધો હતો.
ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ!
ટ્રમ્પે સોમવારે ચીનને ટેરિફની ડેડલાઇનમાં 90 દિવસની વધુ રાહત આપવાની સાથે જ ચીનને અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી વધારવાની અપીલ કરી છે. અમેરિકા સાથે ચીનની વેપાર ખાધ ઓછી કરવાનો આ એક રસ્તો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ અંગે એક પોસ્ટમાં લખ્યું છે, 'ચીનને સોયાબીનની અછતની ચિંતા છે, અમારા ખેડૂતો સૌથી વધુ ઉપજવાળા સોયાબીનનું ઉત્પાદન કરે છે. આથી, મને આશા છે કે ચીન જલ્દી જ અમેરિકન સોયાબીનનો ઓર્ડર ચાર ગણો વધારી દેશે.' અમેરિકન પ્રમુખએ વધુમાં કહ્યું કે, ચીનનું આ પગલું અમેરિકા સાથે તેની વેપાર ખાધને ઘણી હદ સુધી ઓછી કરશે. પોસ્ટના અંતમાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો 'આભાર' પણ માન્યો.
પહેલા ચીનને ટાર્ગેટ કર્યું, હવે રાહત કેમ?
ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને અમેરિકાના નિશાના પર હંમેશા આગળ રહ્યું છે. ટેરિફ વોરની શરૂઆતમાં ટ્રમ્પે ચીન માટે પણ વધુ ટેરિફની જાહેરાત કરી હતી પણ હવે આ રાહત કેમ? આ પાછળ ઘણાં કારણો છે, જેમાં એક મુખ્ય કારણ એ છે કે Apple, Tesla જેવી ઘણી મોટી અમેરિકન કંપનીઓ ચીનમાં તેમના ઉત્પાદન પર આધાર રાખે છે. આ ઉપરાંત, ચીન વિશ્વના 90%થી વધારે Rare Earth Metals પર નિયંત્રણ ધરાવે છે. થોડા સમય પહેલાં ચીને તેને રોક્યા તો અમેરિકાના ઈલેક્ટ્રોનિક્સ, ઓટોથી લઈને ડિફેન્સ પ્રોડક્શન પર પણ તેની અસર જોવા મળી હતી.