Get The App

ટેરિફ વોર વચ્ચે UNSC બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને, પનામા પર નિયંત્રણ મામલે ભારે વિવાદ

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
Panama Canal
(IMAGE - IANS)

Panama Canal: દુનિયાભરની જિયોપૉલિટિક્સમાં પનામા નહેરનું ખૂબ જ મહત્ત્વ છે. આ 82 કિલોમીટર લાંબી નહેર એટલાંટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. કહેવામાં આવે છે કે, દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે. એવામાં સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પનામા નહેરને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. અમેરિકાએ ચેતવણી આપી કે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર ચીનનો પ્રભાવ વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે ખતરો બની શકે છે. જ્યારે ચીને અમેરિકાના આ આરોપોને નહેર પર કબજો કરવાનું બહાનું ગણાવ્યું હતું.

શું છે પનામાનું મહત્ત્વ?

પનામા નહેરનું નિર્માણ વર્ષ 1881માં શરૂ થયું હતું. પરંતુ, 1904માં અમેરિકાએ આ નહેરના નિર્માણની જવાબદારી સંભાળી અને 1914માં અમેરિકા દ્વારા આ નહેરના નિર્માણને પૂર્ણ કરવામાં આવ્યું. ત્યારબાદ પનામા નહેર પર અમેરિકાનું નિયંત્રણ રહ્યું. પરંતુ, વર્ષ 1999માં અમેરિકાએ પનામા નહેરનું નિયંત્રણ પનામાની સરકારને સોંપી દીધું. હવે તેનું પ્રબંધન પનામા નહેર ઑથોરિટી દ્વારા કરવામાં આવે છે. પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે નવેમ્બરમાં ચૂંટણી જીતતા પહેલા જ પનામા પર અમેરિકાના ફરી નિયંત્રણ અંગેની વાત કરી હતી.  

અમેરિકાએ ચીન પર સાધ્યું નિશાન 

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, અમેરિકા પનામાને પરત લઈને રહેશે અને તેના માટે અમે કંઈક મોટું પગલું લેવા જઈ રહ્યાં છીએ. ચીન જ પનામાને ચલાવી રહ્યું છે જોકે, આ નહેર ચીનને સોંપવામાં નહતી આવી. પનામા નહેર પનામાને સોંપી દેવામાં આવી હતી. પરંતુ, તેઓએ કરારનું ઉલ્લંઘન કર્યું અને અમે તેને પરત લઈને રહીશું. જેના માટે અમે અમુક મોટા પગલાં લેવા જઈ રહ્યાં છીએ.' 

આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અમેરિકન રાજદૂત ડોરોથી શીયાએ જણાવ્યું કે, 'નહેર વિસ્તારમાં ચીનનો પ્રભાવ માત્ર પનામા અને અમેરિકા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે પણ એક સંભવિત ખતરો છે.'

આ પણ વાંચો: પુતિન-ટ્રમ્પની મુલાકાત પહેલા જ વિવાદ! યુરોપ પણ ખૂલીને યુક્રેનના સમર્થનમાં આવ્યું

ચીનનો અમેરિકાને જવાબ

ચીનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત ફૂ કાંગએ પરિષદમાં અમેરિકાને જવાબ આપતા કહ્યું કે, 'પનામાએ નહેરનું સંચાલન સતત અને અસરકારક રીતે કર્યું છે. એટલું જ નહીં, શિપિંગ અને વેપારમાં પણ તેનું મહત્ત્વનું યોગદાન છે. ચીને હંમેશા નહેરની નિષ્પક્ષતાનું સન્માન કર્યું છે અને નહેર પર પોતાની સાર્વભૌમત્વની સુરક્ષા કરવા અને તેનું સંચાલન કરવામાં પનામાને ટેકો આપ્યો છે.'

તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, 'ચીન વિરુદ્ધ જૂઠ અને પાયાવિહોણા હુમલાનો અમેરિકાનો પ્રયાસ, નહેર પર કબ્જો મેળવવાનું માત્ર એક બહાનું છે. ચીન આર્થિક દબાણ અને આ ધમકીનો સખત વિરોધ કરે છે અને અમેરિકાને વિનંતી કરે છે કે તે અફવાઓ અને જૂઠ ફેલાવવાનું અને મુશ્કેલી ઊભી કરવાનું બંધ કરે.'

ટેરિફ વોર વચ્ચે UNSC બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને, પનામા પર નિયંત્રણ મામલે ભારે વિવાદ 2 - image

Tags :