ભારતની હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’થી બ્રાઝિલ ખુશ, ખરીદવાની તૈયારીમાં
India-Brazil Defence Deal : ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સ્વદેશી ‘આકાશ એર ડિફેન્સ સિસ્ટમ’નો ઉપયોગ કરીને પાકિસ્તાનને રાતા પાણીએ રોવડાવ્યું હતું. ત્યારબાદ આ સિસ્ટમની ચોતરફ બોલબાલા શરૂ થઈ ગઈ છે. બ્રાઝિલે આ સિસ્ટમને ખરીદવા માટે સત્તાવાર ઈચ્છા વ્યક્ય કરી છે અને તેના અધિગ્રહણ તેમજ લોકલ મેન્યુફેક્ચરીંગ કરવા માટે ભારત સાથે વાતચીત શરૂ કરી દીધી છે.
બ્રાઝિલે ‘આકાશ એર ડિફેન્સ સિસ્ટમ’માં રસ દાખવ્યો
વિદેશ મંત્રાલયના સચિવ પી.કુમારને પુષ્ટી કરી છે કે, ‘બ્રાઝિલે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને ભારત સાથે મળીને તેનું ઉત્પાદન કરાવ માંગે છે.’ એવું કહેવાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્રાઝિલના પ્રવાસ દરમિયાન આ મુદ્દે ઉચ્ચસ્તરે વાતચીત થશે. પીએમ મોદી પાંચથી આઠ જુલાઈ સુધી રિયો ડી જાનેરિયોમાં યોજાનાર 17માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ બ્રાઝીલનો પ્રવાસ પણ કરશે.
બ્રાઝિલ સેનાન અધિકારીઓએ ‘આકાશ’નું લાઈવ પ્રદર્શન જોયું હતું
આ પહેલા બ્રાઝિલ સેનાના ટોચના અધિકારીઓની ટીમ ભારત આવી હતી અને તેઓએ આકાશ એર ડિફેન્સ સિસ્ટમનું લાઈવ પ્રદર્શન જોયું હતું. ત્યારબાદ બ્રાઝિલે ચીનના ‘સ્કાય ડ્રેગન’ના વિકલ્પ તરીકે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પર પસંદગી ઉતારી છે. ભારતની સંરક્ષણ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હોય તેવું આ પહેલીવાર બન્યું નથી. આ પહેલા આર્મેનિયામાં આકાશ સિસ્ટમની સફળ નિકાસ બાદ ભારતનો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. આ ઉપરાંત બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સહયોગ વધારવાની પણ ચર્ચા કરી રહ્યા છે.
ભારતે બ્રાઝિલના સી-390 મિલેનિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં રસ દાખવ્યો
બીજીતરફ બ્રાઝિલે ભારતના તેજસ ફાઈટર જેટમાં તો ભારતે તેમના સી-390 મિલેનિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પર રસ દાખવ્યો છે. બંને દેશોએ સંયુક્ત રીતે મિસાઈલ, ગાઈડેડ મ્યૂનિશન અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ બનાવાની યોજના પર ચર્ચા કરી શકે છે. બ્રાઝિલમાં પહેલેથી જ સક્રિય MKU અને SMPP જેવી ભારતીય કંપનીઓ બુલેટપ્રૂફ જેકેટ અને અન્ય સુરક્ષા સાધનો પૂરા પાડી રહી છે. જ્યારે બ્રાઝિલની બે મોટી કંપનીઓ - ટોરસ આર્મસ અને સીબીસી હવે ભારતમાં તેમના રોકાણ અને શસ્ત્ર ઉત્પાદનમાં વધારો કરી રહી છે. એટલે કે, આ કંપનીઓ ભારતમાં વધુ ફેક્ટરીઓ સ્થાપશે અને અહીં શસ્ત્રોનું ઉત્પાદન કરશે.
‘આકાશ એર ડિફેન્સ સિસ્ટમ’ની ખાસીયત
ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી એટલે પંદરથી ચાલીસ કિલોમીટરની રેન્જમાં નીચે ઉડતા ડ્રોન, એરક્રાફ્ટ અને ક્રૂઝ મિસાઇલો જેવાં જોખમોનો વિનાશ કરનારી વ્યવસ્થા. આ સ્તરનો મુખ્ય આધાર સ્વદેશી 'આકાશ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ' છે. 'આકાશ' 25થી 40 કિલોમીટરની ઊંચાઈએ લક્ષ્યોને તોડી પાડે છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન 'આકાશ'ની કામગીરીની એર માર્શલ એ.કે. ભારતીએ પ્રશંસા કરી હતી. 'આકાશ'ને ઇઝરાયેલની 'સ્પાયડર એર ડિફેન્સ સિસ્ટમ'થી સજ્જ કરવામાં આવી છે. જે 15 કિલોમીટરની રેન્જ ધરાવે છે. ખૂબ જ નીચા સ્તરે ઝડપી પ્રતિક્રિયા કરીને રક્ષણ પૂરું પાડે છે. ડીઆરડીઓ દ્વારા વિકસાવામાં આવેલી આકાશ નામની એર ડિફેન્સ સિસ્ટમ પણ ખૂબ જ સચોટ છે. આ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ 25 કિ.મીથી 45 કિ.મીની ઉંચાઈએ આવતી કોઈપણ મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ, ડ્રોન, બેલાસ્ટિક મિસાઈલ અને ફાઈટર પ્લેનને તોડી પાડવા કારગર સાબિત થાય છે. આકાશ પાસે એડવાન્સ નેવિગેશન અને ટ્રેકિંગ સિસ્ટમ છે. તે 64 જેટલા ટાર્ગેટને ટ્રેક કરી શકે છે અને એક સાથે 12 ટાર્ગેટને ડિસ્ટ્રોય કરી શકે છે.
આ પણ વાંચો : વેપાર કરાર અંગે ભારત-અમેરિકા વચ્ચે કોકડું ગૂંચવાયું? ભારતની કઈ માગ પર US સહમત નથી