વેપાર કરાર અંગે ભારત-અમેરિકા વચ્ચે કોકડું ગૂંચવાયું? ભારતની કઈ માગ પર US સહમત નથી
India-US Trade Deal : અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં કંઈક અડચણો ઊભી થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ તો અમેરિકા ટેરિફ મામલાની ડેડલાઇન વધારવા માંગતા ન હતા અને તેમણે ભારત પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું હતું. જોકે સૂત્રોએ કહ્યું છે કે, ‘ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતિ થઈ શકી નથી. અમેરિકાએ 10 ટકા ટેરિફ યથાવત્ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારત કેટલાક સેક્ટર્સમાંથી 10 ટકા ટેરિફ શૂન્ય કરવા પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશોની અસંમતિને ધ્યાને રાખી સમજૂતીના મુખ્ય વાટાઘાટકાર વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ પોતાનો અમેરિકી પ્રવાસ લંબાવી દીધો છે.
હજુ પણ ટેરિફ મામલે બંને દેશો વચ્ચે અસમંજસ
અગાઉ (30 જૂન) સૂત્રોએ એવું કહ્યું હતું કે, ‘ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ આ સમજૂતીના મુખ્ય વાટાઘાટકાર હતા, તેની આગેવાનીમાં વોશિંગ્ટનમાં આના પર સમજૂતી થઈ છે.’ ત્યારબાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વચ્ચે સારા સંબંધોને ટાંકીને કહ્યું હતું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો યથાવત્ રહેશે. બંને દેશો ટ્રેડ ડીલની નજીક પહોંચી ગયા છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં તે અંગે વિગતો આપશે.’ જોકે હવે (1 જુલાઈ) સૂત્રોએ કહ્યું છે કે, ‘ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતિ થઈ શકી નથી.’
અમેરિકાએ ટ્રેડ ડીલમાં કઈ રાહતો માંગી?
બંને દેશ વચ્ચેના ટ્રેડ ડીલમાં કૃષિ, ડેરી સેક્ટર અને ભારતીય ખેડૂતોને આપવામાં આવતી સબસિડી મુખ્ય અવરોધ હતા. બીજી બાજુએ અમેરિકા ઇચ્છતું હતું કે ભારતના કૃષિ અને ડેરી સેક્ટરને તેની પેદાશો માટે ખોલવામાં આવે અથવા કોઈપણ રીતે ખોલવાનો માર્ગ તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત જીનેટિકલી મોડિફાઇડ બિયારણોના મુદ્દે છૂટ આપવામાં આવે. અમેરિકાએ સોય, ઘઉં, મકાઈ, ઇથેનોલ અને સફરજન પર ટેરિફ ઘટાડવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ઇવી, વાઇન, પેટ્રોકેમિકલ્સના મોરચે પણ ટેરિફમાં રાહત ઇચ્છે છે.
અગાઉ ટ્રમ્પે ભારતને આડકતરી રીતે આપી હતી ધમકી
આ સમજૂતીના થોડા દિવસ પહેલાં જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થવાની તૈયારીમાં જ છે, અમે જબરદસ્ત ડીલ કરી રહ્યા છે. ચીન સાથે અમારે ડીલ થઈ ગઈ છે. તેની સાથે ટ્રમ્પે તેમ પણ જણાવ્યું હતું કે ભારત સાથે સમજૂતી ન થઈ તો 26 ટકા ટેરિફ તો ઊભો જ છે. આમ ટ્રમ્પે આડકતરી રીતે ટેક્સની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ વિશ્વના મોટાભાગના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. કમ્બોડિયા જેવા દેશને પણ ટ્રમ્પે છોડયો ન હતો. જો કે આ ટેરિફ પર મોટાપાયા પર શોરબકોર મચતાં ટ્રમ્પે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર 26 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યો હતો. તેની સાથે ધમકી આપી હતી કે જો 90 દિવસમાં ટ્રેડ ડીલ નહીં થાય તો 25 ટકા ટેરિફ લાગશે.
આ પહેલા એપ્રિલમાં અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ટ્રેડ ડીલની વાટાઘાટો માટેની ટર્મ્સ ઑફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તમે બંને દેશ વચ્ચે નજીકના ભવિષ્યમાં ડીલ થતી જોઈ શકો છો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ મચાવતા તેમના એજન્ડાની જાહેરાત કરી ત્યારે ભારત વાટાઘાટો માટે અમેરિકાનો સંપર્ક કરનારા સૌપ્રથમ દેશોમાંનો એક હતો.
આ પણ વાંચો : ટ્રમ્પે એપલને આઇફોન યુએસમાં ન બને તો 25 ટકા ટેરિફ લાદવાની ફરી ધમકી આપી