'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

I.N.D.I.A Bloc May File Impeachment Against CEC: બિહાર SIRમાં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે. વિપક્ષના વિવિધ પક્ષો આ મામલે ચર્ચા કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિપક્ષ ટૂંક સમયમાં સંસદ ગૃહમાં ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે.
વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A ગઠબંધનના નેતાઓ આ મામલે નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, 'અમે ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ અંગે કામગીરી ચાલી રહી છે.' ઉલ્લેખનીય છે, કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, 'આ મામલે પક્ષની અંદર હાલ કોઈ વિચારણા થઈ નથી. જો જરૂર પડી તો નિયમાનુસાર કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.'
CEC વિપક્ષને આપ્યું હતું અલ્ટીમેટમ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર વોટ ચોરીના ઓરોપો મુદ્દે ચીફ ઈલેક્શન કમિશ્નરે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે વિપક્ષને અલ્ટીમેટમ આપ્યું હતું કે, 'કોંગ્રેસ નેતા પોતાના આરોપો દર્શાવતું સોગંદનામું સાત દિવસની અંદર રજૂ કરે અથવા તો દેશ સમક્ષ પોતાના ખોટા આરોપોની માફી માગે.'
આ પણ વાંચોઃ'હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું', રાહુલ ગાંધીના પ્રહાર
બિહાર SIR વિરુદ્ધ વિપક્ષનો મોરચો
બિહાર વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યની મતદારોની યાદીનું વિશેષ ગહન નિરીક્ષણ (SIR) હાથ ધરાયુ હતું. જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, તે બિહાર મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા 65 લાખ નામોની યાદી કારણ સાથે જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ યાદી 19 ઑગસ્ટ સુધી જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
'મહાભિયોગ'ની જોગવાઈ
ભારતીય લોકતંત્રના ત્રણ મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય સ્તંભમાં કોઈ દુરાચાર કે અયોગ્યતા જણાય તો તેમની વિરુદ્ધ સાંસદો દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે. રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. આ પ્રસ્તાવ લોકસભામાં સ્પીકર અથવા રાજ્યસભાના સભાપતિને સોંપવામાં આવે છે.









