પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ
India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. પાકિસ્તાને સાતમી મેના રોજ મોડી રાતે ભારતના 15 લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કરતાં આજે સવારે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનમાં ડ્રોન હુમલા કરીને લાહોરનું એર ડિફેન્સ યુનિટ તબાહ કરી દીધું હતું. આ હુમલામાં પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટમાં HQ-9 એર ડિફેન્સ મિસાઇલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. ભારતીય સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ સહિત અન્ય સ્થળે પણ ડ્રોન હુમલા કર્યા હતા.
કેન્દ્ર સરકારે સત્તાવાર જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના વિવિધ સ્થળો પર સ્થિત પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ રડારને ટાર્ગેટ કરી હતી. જેમાં લાહોરનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કરી દેવાયું હતું. આજે સવારે થયેલા આ ડ્રોન હુમલાના પગલે કરાચી, રાવલપિંડી અને લાહોરમાં સાઇરન વાગી હતી.
આ પહેલા પાકિસ્તાને સાતમી મેના રોજ મોડી રાતે ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ગુજરાતના ભુજમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. આ કારણસર ભારતે ડ્રોન હુમલા કરીને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવાની ફરજ પડી હતી.
પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 16ના મોત
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને LOC પર સીઝફાયરના ઉલ્લંઘન કર્યા હતાં. જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ વિસ્તારોમાં પાકિસ્તાને મોર્ટાર અને આર્ટિલરી ગન વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેના અને સરકારે પાકિસ્તાનને તણાવ ન વધારવા અપીલ કરી છે.