ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના નિષ્ફળ હુમલા, ભારતે ધૂળ ચટાડી દીધી
India Pakistan Tension: ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. ભારતીય સુરક્ષાદળોએ સુદર્શન ચક્ર S400 વડે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલા નિષ્ક્રિય કરી દીધા હતા. એટલું જ નહીં, ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી દીધી હતી. ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં ભારત સરકારે અગાઉ ભારપૂર્વક કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. જો પાકિસ્તાન આવું કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે ફક્ત પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે કરેલા કાશ્મીરના આતંકવાદી અડ્ડા પર જ એર સ્ટ્રાઇક કરી હતી. આમ છતાં, પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ભારતના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો છે. તેમાં અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ગુજરાતનું ભુજ સામેલ છે. હાલ, આ તમામ સ્થળેથી કાટમાળ કબજે કરવાનું ચાલુ છે.
આઠમી મેની સવારે લાહોરમાં પણ ભારતનું ઓપરેશન
આજે સવારે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના અનેક સ્થળે એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ભારતે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી નાંખી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ
પાકિસ્તાનનું એલઓસી પર બેફામ ફાયરિંગ
પાકિસ્તાનના હુમલામાં 16 નિર્દોષ નાગરિકોના મોત
પાકિસ્તાનના આડેધડ ફાયરિંગમાં 16 નાગરિકોના મોત થયા છે, જેમાં ત્રણ મહિલા અને પાંચ બાળકો પણ સામેલ છે. આ કારણસર ભારતીય સેનાએ પણ તોપમારો કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. નોંધનીય છે કે, સર્વપક્ષીય બેઠક પછી ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. પાકિસ્તાન કોઈ પણ કાર્યવાહી કરશે તો ભારત પીછેહઠ નહીં કરે. અત્યાર સુધી કરાયેલી કાર્યવાહીમાં 100 આતંકવાદી માર્યા ગયા છે.