For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ મોટી મુશ્કેલીમાં, IT વિભાગે 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી

બીજી બાજુ દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતાં ડબલ ઝટકો લાગ્યો હતો

Updated: Mar 29th, 2024

Article Content Image

Lok Sabha Elections 2024 | કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો અને તેના પછી આવકવેરા વિભાગે તેની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે. જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.

ડિમાન્ડની રકમમાં વધારો થાય તેવી શક્યતા 

આ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ 2021-22 થી 2024-25 સુધીની આવકના પુન:મુલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી.

કોંગ્રેસે શું કહ્યું....? 

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને  દસ્તાવેજો વિના લગભગ 1,700 કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન.

હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કોંગ્રેસની એ અરજીઓ ફગાવી દીધી હતી જેમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તેની સામે ચાર વર્ષની મુદ્દત માટે પુનઃમુલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. 

Article Content Image

Gujarat