For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આસામ લઠ્ઠાકાંડમાં મૃતક આંક 80ને પાર

-ચાના બગીચામાં કામ કરતા મજૂરોનો ઝેરી દારૂએ લીધો ભોગ

-ઝેરી દારૂ પીવાથી 300થી પણ વધારે લોકો બીમાર

Updated: Feb 23rd, 2019

Article Content Imageગુવાહાટી, તા.23 ફેબ્રૂઆરી 2019,શનિવારa

આસામના ગોલાઘાટ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડનો મૃતક આંક શનિવાર સુધીમાં ૮૦ને પણ પાર કરી ગયો છે. આ ઉપરાંત ઝેરી દારૂની અસરના કારણે બીમાર પડેલા ૩૦૦થી વધુ લોકો દવાખાનામાં સારવાર હેઠળ છે. 

આસામના ગોલાઘાટ અને જોરહટ જિલ્લામાં ચાના બગીચાઓમાં કામ કરતા મજૂરો ઝેરી દારૂ પીવાના કારણે મોતને ભેટયા છે. ગુરૂવારે થયેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ શનિવાર સુધીમાં જોરહટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૪૫ અને ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં ૩૫ લોકોના મોત થયા છે. આ ઉપરાંત બંને હોસ્પિટલમાં અનુક્રમે ૨૨૧ અને ૩૫ લોકો ખરાબ સ્વાસ્થ્યને કારણે સારવાર અંતર્ગત છે.

આસામના આરોગ્ય મંત્રી હિમન્તા બિસ્વા શર્માએ શનિવારે બંને દવાખાનાની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે હોસ્પિટલમાં લઠ્ઠાની અસરથી બીમાર પડેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃતક આંક પણ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જોરહટ હોસ્પિટલમાં ઝેરી દારૂની સારવાર લઈ રહેલા લોકો પૈકી ૩૬ મહિલાઓ છે. 

આરોગ્ય મંત્રીએ જોરહટ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત મેડિકલ એજ્યુકેશનના ડિરેક્ટર અનુપ બર્મન, આસામના આરોગ્ય નિદેશક વગેરે પણ ખડેપગે હોવાનું જાહેર કર્યું છે. તેમણે બંને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને યોગ્ય સારવાર મળે અને તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરીને ડૉક્ટર્સ અને નર્સ પોતાનાથી બનતી તમામ મહેનત કરી રહ્યા હોવાની ખાતરી આપી છે.

લઠ્ઠાકાંડની દુર્ઘટનાને પગલે બંને હોસ્પિટલમાં અન્ય રોગના દર્દીઓ કરતા ઝેરી દારૂની અસર ધરાવતા લોકોને એડમીટ કરવામાં વધારે પ્રાદ્યાન્ય આપવા ભલામણ કરવામાં આવી છે. હોસ્પિટલ ઓથોરિટીને દર્દીઓને હેલ્થ કેર અને દવાઓ જેવી પાયાની સવલતો ઉપરાંત ભોજનની સવલત આપવા પણ નિર્દેશ કરાયો છે. લઠ્ઠાકાંડની ઘટના બાદ જેમણે ત્રણ-ચાર દિવસ પહેલા દારૂ પીધો હતો તે લોકો પણ ડરના માર્યા પોતાને કશું થયું નથી તેની ખાતરી કરાવવા માટે દવાખાને આવી રહ્યા છે.

ખુમતઈ બેઠકના ભાજપના ધારાસભ્ય મૃણાલ સૈકિયાએ તમામ લોકોએ એક જ દુકાનદાર પાસેથી દારૂ ખરીદ્યો હોવાની શંકા વ્યક્ત કરીને તે મુદ્દે તપાસ કરવા અને મૃતકોના પરિવારજનોને વળતર આપવા માંગ કરી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ એક્સાઈઝ મિનિસ્ટર પરિમલ શુક્લવૈદ્યના રાજીનામાની માંગ કરી છે.

યુપી, ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 100થી વધુના મોત 

આસામમાં ઝેરી દેશી દારૂએ ૮૦થી પણ વધારે લોકોનો ભોગ લીધો છે ત્યારે થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ લઠ્ઠાકાંડને કારણે ૧૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. લઠ્ઠાકાંડની આ ઘટનામાં સહરાનપુરના ૬૪, રૂડકીના ૨૬ અને કુશીનગરના આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યા મુજબ ઝેરી દારૂ પીને મોતને ભેટનારા મોટા ભાગના લોકો ઉત્તરાખંડમાં એક તેરમાની વિધિમાં સામેલ થવા ગયા હતા જ્યાં તેમણે આવો દારૂ પીધો હતો. લઠ્ઠાકાંડની આ ઘટના બાદ યોગી સરકારે ગેરકાયદેસર દારૂના વેચાણ વિરૂદ્ધ સમગ્ર પ્રદેશમાં અભિયાન શરૂ કર્યુ હતું અને આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

Gujarat