Get The App

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી 1 - image


Monsoon 2025 Weather Report Update : દેશમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકો અસહ્ય બફારાથી પરેશાન થઈ ગયા છે. જોકે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી કહી રહી છે કે, મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર ટ્રેલર છે, મેઘરાજાનું અસલી તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે.

ચોમાસુ દેશના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે : IMD

ભારતીય હવામાન વિભાગે (IMD) કહ્યું છે કે, ‘આ વખતે કેરળમાં આઠ દિવસ પહેલા એટલે કે 24 મેએ ચોમાસું પહોંચી ગયું છે. ચોમાસાની વહેલી એન્ટ્રીથી છેલ્લા 16 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. આ પહેલા વર્ષ 2009માં 23 મેએ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ હતી. આઈએમડીના લેટેસ્ટ અપડેટ મુજબ, ચોમાસુ દેશભરના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર

હવામાન વિભાગે ચોમાસા અંગેના લેટેસ્ટ અપડેટ-2025માં કહ્યું છે કે, આ વખતે ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતની વાત છે. વાસ્તવમાં આઈએમડીએ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડતા વરસાદની આગાહીમાં સંશોધન કર્યું છે, જેમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે.

ગત વર્ષ કરતા વધુ પડશે વરસાદ

હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમાં માત્ર ચાર ટકા ઉપર અથવા નીચેનો તફાવત હોઈ શકે છે. ગત વર્ષે સરેરાશ 105 ટકા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જ્યારે સરેરાશ 104 ટકાથી વધુ વરસાદ પડે છે, તો તેને સામાન્યથી વધુ વરસાદ પડ્યો હોવાનું માનવામાં આવે છે. દેશભરમાં 87 CM વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

દેશમાં ચોમાસાની એન્ટ્રીનો ચાર વર્ષનો ડેટા

ગત વર્ષે કેરળમાં 30 મેએ ચોમાસાની એન્ટ્રી થઈ હતી. જ્યારે 2023માં 8 જૂને અને 2022માં 29 મેએ અને 2021માં 3 જૂન, જ્યારે 2020માં પહેલી જૂને ચોમાસાનું આગમન થયું હતું. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત કેરળમાં 1 જૂન સુધીમાં થઈ જાય છે અને 8 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે. તેમજ 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી અને 15 ઑક્ટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસું વિદાય લઈ લે છે. 

દેશના અર્થતંત્ર માટે ચોમાસુ ખૂબ જ મહત્ત્વનું

હવામાન વિભાગ અનુસાર 96 ટકાથી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય મનાય છે. 90 ટકાથી ઓછો વરસાદ ઓછો અને 90 થી 95 ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો મનાય છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસુ ખૂબ જ મહત્ત્વનું છે. દેશની 42 ટકા વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે અને આ ક્ષેત્ર દેશના વિકાસમાં 18 ટકા ફાળો આપે છે. દેશના જળાશયો ભરવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે પણ ચોમાસાનો વરસાદ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો

Tags :