Get The App

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ICMR on Covid 19


ICMR on Covid 19: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જ કહ્યું છે કે ભારતમાં જોવા મળતા કોવિડ 19 વેરિઅન્ટના હાલ હળવા લક્ષણો જ જોવા મળી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના 4 સબ વેરિઅન્ટ મળી આવ્યા છે. પરંતુ હાલ કોઈ ગંભીર કેસ સામે નથી આવ્યા. 

કોવિડ-19ને લઈને મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડીજી ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે, 'લોકોને કોવિડ-19ના આ નવા વેરિઅન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત સાવધાન રહેવાની જરૂર છે. સરકાર અને બધી એજન્સીઓ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખી રહી છે. આપણે બસ મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર છે. પરંતુ જો કોઈ કેન્સરનો દર્દી હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય અથવા તેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આવા લોકોને કોઈપણ ચેપથી બચવાની સલાહ આપવામાં આવે છે.'

ડૉ. બહલે કહ્યું કે, 'પહેલા દક્ષિણ ભારતમાં કેસ વધી રહ્યા હતા, પછી પશ્ચિમ ભારતમાં અને હવે ઉત્તર ભારતમાં. સરકાર ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, જે દેશભરમાં કોવિડ કેસને ટ્રેક કરે છે.'

નવા કેસો ચિંતાજનક નથી

ડૉ. બહલે કહ્યું કે, 'જ્યારે પણ કોરોનાના કેસ વધે છે ત્યારે ત્રણ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાંથી પહેલું એ છે કે કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે? બીજું, શું વાઈરસ આપણી રોગપ્રતિકારક શક્તિથી બચી રહ્યો છે? ત્રીજી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે શું વર્તમાન ગંભીરતા અગાઉના કેસ કરતા વધુ છે? જો કે અત્યાર સુધીના તાજેતરના કેસ ચિંતાજનક નથી.

ટૂંક સમયમાં નવી રસી તૈયાર કરવાની ક્ષમતા છે

ICMR ડીજી એ કહ્યું કે, 'જો કેસની ગંભીરતા વધે છે તો તેને ધ્યાનમાં રાખીને બધી તૈયારીઓ કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે પણ એક બેઠક યોજી છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમજ જો નવો વેરિઅન્ટ આવશે, તો અમારી પાસે ખૂબ જ ટૂંક સમયમાં નવી રસી તૈયાર કરવાની ક્ષમતા પણ છે. અમારી પાસે કેટલાક એવા પ્લેટફોર્મ છે, જે જરૂર પડ્યે નવી રસીઓ તૈયાર કરી શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં, મને નથી લાગતું કે આ સમયે આવી કોઈ જરૂર છે.'

આ પણ વાંચો: એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા

નવા વેરિઅન્ટમાં ફક્ત વાઇરલ ફીવરના લક્ષણો છે

દરમિયાન, દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે સોમવારે જણાવ્યું હતું કે નવા વેરિઅન્ટના કારણે થતા કોવિડમાં અત્યાર સુધી ફક્ત વાઇરલ ફીવરના લક્ષણો જ જોવા મળ્યા છે અને તેમણે લોકોને ગભરાવાની અપીલ પણ કરી નથી. 

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો 2 - image

Tags :