આ તો માત્ર મેઘરાજાનું ટ્રેલર હતું, તાંડવ બાકી ! ગુજરાત સહિત 24 રાજ્યોમાં છ દિવસનું IMDનું એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Very Heavy Rain Alert Forecast : દેશમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે મેઘરાજાએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. અહીં મકાન-રસ્તા-વાહનો વહી ગયા છે, તો અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત ઉતરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં બિહારમાં 5 લોકોના મોત થયા છે. રવિવારે બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે 6 છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગયા બાદ સ્થાનિક લોકોએ બધી છોકરીઓને બચાવી લીધી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ફરી અનેક રાજ્યોમાં વરસાદી આફતનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહીને જોતા એવું લાગી રહ્યું છે કે, આ માત્ર મેઘરાજાનું ટ્રેલર હતું, આગામી સમયમાં આ રાજ્યોમાં મેઘરાજા ફરી તાંડવ કરી શકે છે.
ગુજરાત સહિત 24 રાજ્યોમાં વરસાદી આફતનું એલર્ટ
અનેક રાજ્યમાં મેઘરાજાના તાંડવ વચ્ચે હવામાન વિભાગે 24 રાજ્યોમાં ભારેથી લઈને અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ભારે પવન, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાનની પેટર્નમાં ફેરફાર, અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે કહ્યું કે, ‘સપ્તાહ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી લઈને કેરળ અને રાજસ્થાનથી લઈને પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની જોર ચાલુ રહેશે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભારતના અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી છ દિવસ સુધી ચોમાસાની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે. દેશમાં ઉભી થયેલી હવામાન પેટર્નના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક નીચા દબાણનો વિસ્તાર જોવા મળી રહ્યો છે. એક ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીથી પૂર્વ-દક્ષિણપૂર્વથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી ફેલાયેલું છે. આ હવામાન સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું એલર્ટ
- 02 જુલાઈથી 06 જુલાઈ : ઝારખંડ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના
- 02 જુલાઈથી 04 જુલાઈ : બિહાર, ઓડિશા, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી
- 04 અને 05 જુલાઈ : મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા
- 04 જુલાઈથી 07 જુલાઈ : બિહાર, ઓડિશા, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ અને અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે 30થી 41 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
- 02 જુલાઈથી 06 જુલાઈ : હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના
- 02, 05, 06 જુલાઈ : હરિયાણા અને ચંદીગઢમાં વરસાદની વકી
- 03 જુલાઈથી 06 જુલાઈ : પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ
- 02 જુલાઈ : ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદની સંભાવના
- 02 જુલાઈથી 07 જુલાઈ : ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી
- 02 જુલાઈથી 07 જુલાઈ : ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, વાવાઝોડા, વીજળી અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના
- 02 જુલાઈથી 03 જુલાઈ : અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ
- 06 જુલાઈ : આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો : વેપાર કરાર અંગે ભારત-અમેરિકા વચ્ચે કોકડું ગૂંચવાયું? ભારતની કઈ માગ પર US સહમત નથી
હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
પૂર અને વરસાદ વચ્ચે હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે. હિમાચલના મંડીના ધર્મપુર, લૌંગણીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં 7થી 8 મકાન પાણીમાં વહી ગયા છે. અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવી પણ તસવીરો સામે આવી છે. શિમલાના ભટ્ટાકુફર માઠુ કોલોનીમાં એક 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કુલ્લુની બંજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અહીં અનેક રસ્તાઓ તૂટી ગયા છે. કરસોગના મેગલીમાં નાળામાં પાણી ગામમાં ઘસતા 8 ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ છે. પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપે વહી રહ્યા છે કે, પાણી ગામડાંઓમાં ભરાઈ ગયા છે. ધર્મપુરમાં નદીનું પાણી લગભગ 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું છે. સોમવારે ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક ઇમારતો તૂટી ગઈ હતી અને ભૂસ્ખલનના કારણે રસ્તા પર પણ અવરોધ ઊભા થયા છે. ભારે વરસાદના કારણે વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનના કારણે મંડીમાં 129 અને સિરમૌર જિલ્લામાં 92 સહિત રાજ્યમાં 259 રસ્તા બંધ થઈ ગયા અને 614 ટ્રાન્સફોર્મર તેમજ 130 પાણી પુરવઠાની યોજનાઓ ખોરવાઈ. 20 જૂને વરસાદના આગમન બાદથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 23 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, પાણીમાં વહી જવાના કારણે અનેક લોકો ગુમ હોવાના માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : 1000 કરોડની લાંચનો આરોપ લાગતા ભાજપના મહિલા મંત્રીએ કહ્યું - 'CM બધુ જાણે છે કે..'
બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઈ
ઉતરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં હિમાચલમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં 5 લોકોના મોત થયા છે. રવિવારે (29 જૂનઃ બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે 6 છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને બધી છોકરીઓને બચાવી લીધી હતી.








