IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ પર સૌની નજર
IIM Calcutta Misdemeanor case : કોલકાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલેજની એક વિદ્યાર્થી પર એક વિદ્યાર્થિનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પીડિતાના પિતા અને આરોપી વિદ્યાર્થીની માતાના નિવેદનો સામે આવ્યા છે. પીડિતાના પિતાએ પોતે પોતાની પુત્રીના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મારી પુત્રી સાથે કંઈ ખોટું થયું નથી. ન તો તેના પર દુષ્કર્મ થયો હતો, ન તો કોઈએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મારી પુત્રી આરોપીને ઓળખતી પણ નથી. તે સંપૂર્ણપણે સામાન્ય છે અને હાલમાં સૂઈ રહી છે. શુક્રવારે રાત્રે 9:34 વાગ્યે મને ફોન આવ્યો હતો કે, મારી પુત્રી ઓટોમાંથી પડી ગઈ છે અને હોશમાં નથી. બાદમાં પોલીસે તેને SSKM હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરી હતી.'
આરોપીની માતાએ શું કહ્યું?
જ્યારે આરોપી મહાવીર ટોપ્પનવર ઉર્ફે પરમાનંદ જૈનની માતાએ કહ્યું કે, 'અમે રાત્રિના લગભગ 11 વાગ્યે મારા દીકરાનો ફોન આવ્યો હતો કે મારા દીકરાની પોલીસે ધરપકડ કરી છે. અમને ખબર નથી કે મારા દીકરાની પોલીસે કેમ ધરપકડ કરી. અમારે મારા દીકરાથી મળવું છે અને તેની સાથે વાત કરવી છે. તે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. અમને કોલકાતા પોલીસ સ્ટેશન કે કોર્ટ ક્યાં છે તેને લઈને કાંઈ ખબર નથી, મારો દીકરો નિર્દોષ છે. તે આટલા દૂર ભણવા આવ્યો છે, તે આવું ખરાબ કામ કરી જ ન શકે.'
પીડિતાએ શું લગાવ્યો આરોપ?
પીડિતા મહિલાએ FIRમાં જણાવ્યું હતું કે, તે કાઉન્સેલિંગ માટે હોસ્ટેલમાં ગઈ હતી. મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેને કાઉન્સેલિંગ સેશનના બહાને છોકરાઓની હોસ્ટેલમાં બોલાવી હતી અને તેને લંચ માટે પીઝા-પાણી આપ્યા હતા અને તે ખાધા-પીધા પછી બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પીડિતાનો આરોપ છે કે, વિદ્યાર્થીએ તેને ધમકી પણ આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
19 જુલાઈએ સુનાવણી થશે
સમગ્ર મામલે હરિદેવપુર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી. ત્યારબાદ કોલકાતા પોલીસે બીએનએસની કલમ 64 અને 123 હેટળ FIR નોંધીને આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આરોપીને કોલકાતાની અલીપુર કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાંથી તેને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે આગામી સુનાવણી 19 જુલાઈએ થશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- 'રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ'
IIM કોલકાતાએ આ મામલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તે સંસ્થાની બહારની એક મહિલા સાથે સંબંધિત ગંભીર ફરિયાદથી વાકેફ છે અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. સંસ્થાએ સ્પષ્ટતા કર્યુ છે કે પીડિતા IIMની વિદ્યાર્થિની નથી.
પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં શું કહ્યું?
કોલકાતા પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરતી વખતે અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 11 જુલાઈ 2025 ના રોજ સવારે 11:45 થી રાત્રે 8:35 વાગ્યાની વચ્ચે બની હતી. આરોપીએ માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કરીને કાઉન્સેલિંગના બહાને મહિલાને હોસ્ટેલ રૂમમાં બોલાવી હતી. આરોપી MBAના બીજા વર્ષનો વિદ્યાર્થી છે, તેણે પીડિતાને લંચ અને પાણી આપ્યું હતું. મહિલાએ ખાધા-પીધા બાદ તરત જ તેને ચક્કર આવવા લાગ્યા. આ પછી આરોપીએ પીડિતા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની 12 જુલાઈના રોજ રાત્રે 12:15 વાગ્યે હોસ્ટેલમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને ઘટના સમયે પહેરેલા કપડાં અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.