સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો
Himachal Pradesh BJP: બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. કંગનાએ પણ ચૂંટણી જીતી હતી પરંતુ તાજેતરના ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ બની હતી જેના કારણે કંગના રણૌતને કારણે ભાજપને મંડી જિલ્લામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
કંગના રણૌતને કારણે હિમાચલ પ્રદેશમાં સરકાર ચલાવી રહેલી કોંગ્રેસને ભાજપ પર હુમલો કરવાની તક મળી હતી. કેબિનેટ મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે, રાજનીતિ કરવી એ કંગના રણૌત જેવી બોલિવૂડ અભિનેત્રીનું કામ નથી અને જો તે પોતાનું કામ બરોબર રીતે નથી કરી શકતી, તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંહે પણ તેમને સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ બિંદલે કંગના રણૌતનો બચાવ માટે ભાજપના સ્થાનિક એકમના કાર્યકર્તાઓનો એક વર્ગે કંગના રણૌતને લઈને સવાલો ઉઠાવ્યા છે.
નિવેદનો પર નજર રાખી રહ્યું છે હાઈકમાન્ડ
ભાજપના એક વરિષ્ઠ નેતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'એવા અનેક મુદ્દાઓ છે, જેના પર પાર્ટીમાં લોકો ખુલ્લેઆમ બોલવાનું ટાળે છે, આવા મુદ્દાઓ પર નજર રાખવામાં આવી રહી છે. કંગનાને ચૂંટાયાને હજુ માત્ર 1 વર્ષ થયું છે. પાર્ટી હાઈકમાન્ડ તેમના કાર્યો અને નિવેદનો પર નજર રાખી રહી છે.'
મોટા કાર્યક્રમોમાં કંગનાની ગેરહાજરી
આ અંગે વાત કરતાં ભાજપ નેતાએ કહ્યું, 'કંગના રણૌતે પાર્ટીના કાર્યક્રમોથી ઘણી હદ સુધી અંતર રાખ્યું છે. તે પાર્ટીના મોટા કાર્યક્રમોમાં હાજરી આપતાં નથી. જેમ કે, 2 જુલાઈએ જ્યારે ડૉ. રાજીવ બિંદલ શિમલામાં પ્રદેશ પ્રમુખ બન્યા, ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, હિમાચલ પ્રદેશના બધા ભાજપ લોકસભા અને રાજ્યસભા સાંસદો કાર્યક્રમમાં હાજર હતા, પરંતુ કંગના આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા.'
મોટાભાગના કાર્યક્રમોમાં કંગના રણૌતની ગેરહાજરી
ભાજપ નેતાએ કહ્યું કે, આ અગાઉ શિમલામાં ભાજપ મુખ્યાલયમાં પ્રદેશ પ્રમુખ પદ માટે નામાંકન અને મતદાન થવાનું હતું, પરંતુ તેઓ ત્યા પણ ન આવી. મંડી જિલ્લાના એક ભાજપ નેતા કહ્યુ કે, 'એવું લાગે છે કે કંગના રણૌત હજુ પણ તેના બે વ્યવસાયો વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે.'
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- 'રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ'
કંગના રણૌતના નિવેદનથી ભાજપની મુશ્કેલીમાં વધારો
હાલમાં કંગના રણૌતે X પર કરેલી એક પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ પોસ્ટ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી કરવા વિશે હતી. પોસ્ટ ડિલીટ કર્યા પછી કંગના રણૌતે કહ્યું કે, તેણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર આવું કર્યું છે. ભાજપના નેતાએ કહ્યું કે, કંગના રણૌતનું આવુ નિવેદન તેમની રાજકીય અપરિપક્વતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, કંગના રણૌતના આવા નિવેદનો કારણે વિરોધ પક્ષને નવો મુદ્દો મળી રહે છે અને ભાજપની મુશ્કેલીઓમાં એકાએક વધારો થઈ રહ્યો છે.