વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- 'રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ'
PM Modi Distributes Appointment Letters to 51,000 Youths: દેશભરમાં 47 શહેરોમાં શનિવારે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશભરના યુવાનોને એક મોટી ભેટ આપતાં 51000થી વધુ નિમણૂક પત્ર આપ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, 'સરકારનો ઉદ્દેશ્ય પારદર્શક અને પ્રામાણિકતાથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવાનો છે. તેમજ દેશના લાખો યુવાનોને આવા રોજગાર મેળાઓ થકી નોકરીઓ મળી છે અને તેઓ આજે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અમારો મંત્ર છે. 'બીના પર્ચી, બીના ખર્ચી'.
દેશના વિકાસની ગતિને વેગ આપશે યુવાનો : પીએમ મોદી
યુવાનોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિવિધ વિભાગોમાં નિમણૂક પામનારા આ યુવાનો આવનારા સમયમાં દેશના વિકાસની ગતિને વેગ આપશે. કેટલાક યુવાનો દેશના રક્ષણ માટે કામ કરશે, કેટલાક 'સબકા સાથ, સબકા વિકાસ'ના સાચા સિપાહી બનશે. કેટલાક નાણાકીય મિશનને મજબૂત બનાવશે તો કેટલાક ઉદ્યોગોના વિકાસમાં યોગદાન આપશે.'
આ પણ વાંચો: 8th Pay Commission : સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
રાષ્ટ્ર સેવા એ સૌથી મોટી ઓળખ છે : પીએમ મોદી
આ ઉપરાંત વડાપ્રધાને એમ પણ કહ્યું કે, 'નિમણૂક મેળવનારા યુવાનોના વિભાગો ભલે અલગ હોય, તેમનો ઉદ્દેશ્ય એક જ છે - રાષ્ટ્રીય સેવા. તમારા વિભાગો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તમે બધા એક જ શરીરના અંગ છો, અને તે છે - દેશની સેવા.' તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પીએમ મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે, રોજગાર મેળા અભિયાનથી એ વિશ્વાસ જાગે છે કે સરકારી નોકરીઓ હવે ભલામણ કે લાંચ વગર પણ મળી શકે છે, માત્ર તમારી ક્ષમતાના આધારે મેળવી શકાય છે.'