હું જવાનો વચ્ચે દિવાળી મનાવવાનો નિત્ય કર્મ જાળવી રાખીશ', દેશવાસીઓ માટે PM મોદીનો વીડિયો મેસેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Diwali Greetings : દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દેશના વીર જવાનો સાથે દિવાળી મનાવશે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઐતિહાસિક દીપોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે દીપોત્સવમાં 21 ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
'આ વર્ષે પણ જવાનો વચ્ચે જઈને દિવાળી મનાવીશ'
વડાપ્રધાન મોદીએ વીડિયો સંદેશમાં કહ્યું કે દિવાળીનો પવિત્ર તહેવાર આખા દેશને રોશનીથી ઝગમગાવી રહ્યો છે. પ્રકાશનો આ પર્વ અંધકાર સામેના આપણા સંકલ્પને દર્શાવે છે. તેમણે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે તેઓ પણ લોકોની જેમ ઉત્સાહથી દિવાળી મનાવે છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે દેશના વીર જવાનોની વચ્ચે જઈને દિવાળી મનાવવી તેમનો નિત્યક્રમ છે અને આ વર્ષે પણ તે યથાવત્ રહેશે.
ઉપરાષ્ટ્રપતિને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલાં ધનતેરસના અવસરે પણ તેમણે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં તેમણે ભગવાન ધન્વંતરિની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિને નમન કરીને સૌના નિરોગી જીવનની કામના કરી હતી.
અયોધ્યામાં 21 ઝાંખીઓ સાથે દીપોત્સવની ઉજવણી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં યોજાનારા ઐતિહાસિક દીપોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાની જાણકારી આપી છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના અયોધ્યા આગમનને આવકારતાં કહ્યું કે તેમની ઉપસ્થિતિ આ પર્વને વધુ ઐતિહાસિક અને યાદગાર બનાવશે.
દીપોત્સવની શરૂઆતના ભાગરૂપે શનિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાજ્યના પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે સાકેત મહાવિદ્યાલયથી શોભાયાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આશરે ત્રણ કિલોમીટરનું અંતર કાપીને શોભાયાત્રા રામકથા પાર્ક પહોંચી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ વર્ષે શોભાયાત્રામાં 21 ઝાંખીઓ સામેલ કરવામાં આવી છે. તેમાં રામચરિતમાનસના વિવિધ પ્રસંગો ઉપરાંત કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ દર્શાવવામાં આવી છે. જલ જીવન મિશન, એક જિલ્લા એક ઉત્પાદન યોજના, કૃષિ અને પશુપાલન, આયુષ્માન ભારત, મિશન શક્તિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, બેટી બચાવો-બેટી પઢાઓ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર જેવી યોજનાઓની ઝલક પણ આ ઝાંખીઓમાં જોવા મળશે.




