'મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ...' બોક્સરે કિસ્સો સંભળાવતા PM મોદી ખુદ હસી પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi meets Commonwealth Games Medallists : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હેવીવેઈટ બોક્સર અને સિલ્વર મેડલિસ્ટ નરેન્દર બેરવાલે પાકિસ્તાનના એક બોક્સર સાથે જોડાયેલો જૂનો કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દરે જણાવ્યું કે, 2015 વર્લ્ડ મિલિટ્રી ગેમ્સમાં પાકિસ્તાની બોક્સરને હરાવ્યા પછી તેણે એક એવી વાત કહી હતી, જેને સાંભળીને તેઓ પોતે પણ હસી પડ્યા હતા.
મિલિટ્રી ગેમ્સમાં પાકિસ્તાની બોક્સર સાથે ફાઈટ
નરેન્દર બેરવાલે વડાપ્રધાન મોદીને જણાવ્યું કે, 2015 વર્લ્ડ મિલિટ્રી ગેમ્સમાં તેમની પાકિસ્તાનના બોક્સર સાથે પહેલી ફાઈટ થઈ હતી. મેચ પહેલા આર્મી તરફથી તેમને ખાસ કહેવામાં આવ્યું હતું કે ‘પાકિસ્તાન સામે હારવાનું નથી.’
મેચ દરમિયાન બંને ખેલાડીઓને થઈ હતી ઈજા
નરેન્દરે જણાવ્યું કે, તેમણે પહેલો રાઉન્ડ 4-1 થી અને બીજો રાઉન્ડ 3-2 થી જીતી લીધો હતો. જોકે, મેચ દરમિયાન બંને ખેલાડીઓના માથા એકબીજા સાથે અથડાયા હતા અને બંનેને ઈજા થઈ હતી. ફાઈટ પૂરી થયા પછી બંને ખેલાડીઓને ટાંકા લેવડાવવા માટે હોસ્પિટલ જવું પડ્યું હતું.
પાકિસ્તાની બોક્સરે કહ્યું- 'મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે'
નરેન્દરે એ મેચ પછી થયેલી વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, તેમની સાથે ગયેલા ભારતીય આર્મીના કોચનું નામ નરેન્દ્ર રાણા હતું. પાકિસ્તાની બોક્સરે ખૂબ વિચાર્યા પછી નરેન્દરને પૂછ્યું, ‘ભાઈજાન, એક વાત કહું?’ નરેન્દરે જવાબ આપ્યો, ‘હા, બોલો.’ ત્યારે પાકિસ્તાની બોક્સરે કહ્યું, ‘ભાઈજાન, તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ નરેન્દ્ર છે, તમારા વડાપ્રધાનનું નામ નરેન્દ્ર છે. મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.’
કિસ્સો સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા
નરેન્દર બેરવાલ ભારતીય સેના સાથે જોડાયેલા બોક્સર છે અને 90 કિલોગ્રામથી વધુ ભાર વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતી ચૂક્યા છે અને 2026 કોમનવેલ્થ ગેમ્સના ભારતીય બોક્સિંગ દળનો હિસ્સો રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે ખેલાડીઓની મુલાકાત દરમિયાન નરેન્દરનો આ કિસ્સો ખાસ ચર્ચામાં રહ્યો હતો. વડાપ્રધાન મોદી પણ આ વાત સાંભળીને હસી પડ્યા હતા.









