For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મારે ભ્રષ્ટાચારીઓ સાથે કામ નથી કરવું 'આપ'ના મંત્રી આનંદનું રાજીનામું

Updated: Apr 11th, 2024

મારે ભ્રષ્ટાચારીઓ સાથે કામ નથી કરવું  'આપ'ના મંત્રી આનંદનું રાજીનામું

- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી

- આપમાં દલિતોને ઊંચા પદ અપાતા નથી, પક્ષ ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપી ગયો છે, શાસન કરવાની નૈતિક્તા ગુમાવી દીધી

- રાજકુમાર આનંદ વર્ષ 2022માં મંત્રી બન્યા, નવેમ્બર 2023માં તેમના ઘરે 23 કલાક સુધી ઈડીના દરોડા ચાલ્યા હતા

નવી દિલ્હી : દિલ્હીમાં દારૂ નીતિમાં કથિત કૌભાંડ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ટોચના નેતાઓ જેલમાં કેદ છે ત્યારે આમ આદમી પાર્ટી માટે બુધવારે નવી સમસ્યા સર્જાઈ છે. કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી અને વરિષ્ઠ નેતા રાજકુમાર આનંદે માત્ર મંત્રીપદ જ નહીં પરંતુ પક્ષના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપી ગઈ છે અને પક્ષમાં દલિત ધારાસભ્યો અથવા કોર્પોરેટરોનું કોઈ સન્માન નથી તેવા પણ આક્ષેપ મૂક્યા છે.

રાજકુમાર આનંદે બુધવારે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં દલિતોને મહત્વના પદો પર સ્થાન અપાતું નથી. હું બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંત પર ચાલું છું. દલિતો માટે કામ ના કરી શકું તો પક્ષમાં રહેવાનો કોઈ અર્થ નથી. 

તેમણે ઉમેર્યું હતું કે, હું દિલ્હી સરકારમાં મંત્રી છું. મારી પાસે સાત વિભાગ છે. આજે હું ખૂબ જ વ્યથિત છું, તેથી દુ:ખ વ્યક્ત કરવા આવ્યો છું. હું રાજકારણમાં ત્યારથી આવ્યો હતો જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. પરંતુ આજે મારે કહેવું પડે છે કે રાજકારણ તો નથી બદલાયું, પરંતુ રાજનેતા બદલાઈ ગયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન સાથે થયો હતો, પરંતુ આજે આ પક્ષ પોતે જ ભ્રષ્ટાચારના કળણમાં ફસાઈ ગયો છે. મારા માટે મંત્રીપદ પર રહીને આ સરકારમાં કામ કરવું મુશ્કેલ થઈ ગયું છે. હું આ પક્ષ, સરકાર અને મારા મંત્રીપદેથી રાજીનામું આપી રહ્યો છું, કારણ કે હું આ ભ્રષ્ટ આચરણમાં મારું નામ સંડોવવા નથી માગતો હું નથી માનતો કે અમારી પાસે શાસન કરવાની નૈતિક તાકાત બચી છે.

વર્ષ ૨૦૨૨માં રાજેન્દ્ર પાલ ગૌતમના રાજીનામા પછી રાજકુમાર આનંદને કેજરીવાલ સરકારમાં મંત્રી બનાવાયા હતા. તે સમયે સમાજ કલ્યાણ વિભાગ સંભાળી રહેલા રાજેન્દ્ર પાલ ગૌતમે કથિત રીતે ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરવાના આક્ષેપો વચ્ચે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

કેજરીવાલ સરકારના મંત્રી રાજકુમાર આનંદના સ્થળો પર ગયા વર્ષે નવેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ ૨૩ કલાક સુધી દરોડા પાડયા હતા. આખા ઘરની તલાશી લીધી હતી, જેમાં કશું મળ્યું નહોતું. 

તે સમયે  રાજકુમાર આનંદે કહ્યું હતું કે, ઈડી જેને  કસ્ટમનો કેસ ગણાવે છે તે ૨૦ વર્ષ જૂનો છે અને તેમાં સુપ્રીમ કોર્ટ સુધીનો ચુકાદો આવી ગયો છે. આ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માગે છે. તેઓ કામનું રાજકારણ ખતમ કરવા માગે છે, તેથી આ રીતે હેરાન કરાય છે.

Gujarat