ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ
Image: IANS |
Gaurav Gogoi on Pahalgam Attack: લોકસભામાં સોમવારે (28 જુલાઈ) ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને પહલગામ આંતકી હુમલાની જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, 'રાજનાથ સિંહે ઘણી બધી જાણકારી આપી પરંતું, એ ન જણાવ્યું કે પાકિસ્તાનથી આવેલા આતંકવાદી પહલગામ ઘૂસ્યા જ કેવી રીતે? રાષ્ટ્રહિતમાં આ સવાલ કરવો અમારૂ કર્તવ્ય છે.'
રાજનાથ સિંહ પર મૂળ જવાબ ન આપવાનો આરોપ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. જોકે, ત્યારબાદ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના પર મૂળ સવાલનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'આ સૂચના યુદ્ધનો યુગ છે. મંત્રીએ ઘણું બધું કહ્યું, પરંતુ જવાબ ન આપ્યો કે, ઘૂસ્યા જ કેવી રીતે અને ત્યાં હાજર 26 લોકોની હત્યા કરી નાંખી?'
100 દિવસ બાદ પણ કેમ ન પકડાયા આતંકવાદી?: ગૌરવ ગોગોઈ
આ વિશે વધુ વાત કરતા ગોગોઈએ કહ્યું કે, 'રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે સરકારની સાથે છીએ અને સરકારે પાકિસ્તાનને મજબૂત રીતે જવાબ આપવો જોઈએ. પરંતુ હવે લોકો એ પણ જાણવા ઈચ્છે છે કે, 100 દિવસ બાદ પણ એ પાંચ આતંકવાદીઓને સરકાર પકડી કેમ નથી શકી? આ આતંકવાદીને કોઈકે તો જાણકારી આપી હશે અને લોકોએ મદદ પણ કરી હશે, પરંતુ સરકાર હજુ સુધી તેનો જવાબ નથી આપી શકી.'
સરકારે જવાબદારી લે...
ગૌરવ ગોગોઈએ કહ્યું કે, 'વિપક્ષે ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચાની માંગ આ સવાલ પૂછવા માટે જ કરી હતી. સરકારે જવાબદારી લેવી જોઈએ, ન કે જમ્મુ-કાશ્મીના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પાછળ સંતાવું જોઈએ.'
આ પણ વાંચોઃ પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સિન્હાએ થોડા સમય પહેલાં જ પહલગામ હુમલાને લઈને સુરક્ષામાં નિષ્ફળતા કહેવાતી આ ઘટનાની નૈતિક જવાબદારી લીધી હતી.
અમુક શક્તિ ખોટી માહિતી ફેલાવે છે.
કોંગ્રેસ નેતાએ પોતાના ભાષણમાં કહ્યું કે, 'પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ અમુક શક્તિઓ ખોટી જાણકારી ફેલાવવામાં કામ કરી રહી હતી.' બાદમાં ગોગોઈએ વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પહલગામ હુમલાના સમયે સાઉદી અરેબિયાથી પોતાની યાત્રા પૂરી કરી અને બાદમાં પ્રભાવિત વિસ્તારોમાં જવાની બદલે બિહારમાં રાજકીય ભાષણ આપવા જતા રહ્યા. ફક્ત અમારા નેતા રાહુલ ગાંધી જ પ્રભાવિત લોકોને ત્યાં મળવા ગયા હતા. જોકે, સત્તાધારી ગઠબંધનના સભ્યોએ સતત તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો.'