Get The App

પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન 1 - image


Rajnath Singh on Operation Sindoor: લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સંદૂર પર ચર્ચાની શરુઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરુઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ હવે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરુ થઈ છે. જેમાં સંરક્ષણ મંત્રીએ અનેક મહત્ત્વના મુદ્દા થકી પોતાની વાત મૂકી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર પર ફક્ત વિરામ લીધો છે. જો પાક. અવળચંડાઈ કરશે તો ઓપરેશન ફરી શરુ કરીશું. 

પહલગામ હુમલો અમાનવીયતાનું સૌથી મોટું ઉદાહરણ

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરુઆતમાં જ સંરક્ષણ મંત્રીએ સેનાના શૌર્યના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, સેનાએ 6-7 મેની રાત્રે ઐતિહાસિક ઓપરેશન હાથ ધર્યું હતું. પહલગામ આતંકવાદી હુમલામાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા. આ અમાનવીયતાનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્યારબાદ વડાપ્રધાને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી નિર્ણાયક કાર્યવાહીની છૂટ આપી. આપણી સેના બલિદાનમાં પાછળ ન રહી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા. સેનાએ આંતકવાદીઓને ઠાર કરી આપણી માતા-બહેનોના સિંદૂરનો બદલો લીધો. આ સિંદૂરનો લાલ રંગ શૌર્યની કહાણી છે. ખૂબ સંભાળીને બોલી રહ્યો છું, આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદી અને હેન્ડલરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. મૃતકોની સંખ્યા તેનાથી ઘણી વધારે છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ: ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધું 'મૌન વ્રત'?

'ભારતે કાર્યવાહી રોકી, કારણ કે...'

રાજનાથ સિંહે કહ્યું કે, 'આ હુમલો એસ્કેલેટરી નેચરનો ન હતો. જોકે, બાદમાં પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. આપણે આ હુમલાને નિષ્ફળ કરી દીધો અને આ એસ્કેલેશન પર આપણો જવાબી હુમલો માપીને કરવામાં આવ્યો હતો. આપણી કાર્યવાહી સંપૂર્ણ રીતે સેલ્ફ ડિફેન્સમાં હતી. પાકિસ્તાન તરફથી હુમલામાં 7 મેથી 10 મેની રાત્રે 1:30 સુધી મિસાઇલ અને લાંબી દૂરીના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના નિશાના પર આપણા સૈન્ય ઠેકાણા હતા. આપણી ડિફેન્સ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટે પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કરી દીધા અને પાકિસ્તાન કોઈપણ ટાર્ગેટને હિટ નથી કરી શક્યું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા દરેક હુમલાને રોકવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ દુશ્મનના દરેક પ્લાન પર પાણી ફેરવી દીધું. પાકિસ્તાનના હુમલાના જવાબમાં આપણી કાર્યવાહી સાહસિક અને નક્કર હતી. આ મિશનને આપણી સેનાએ સફળતાપૂર્વક પાર પાડવામાં સફળતા મેળવી હતી.


ઓપરેશન સિંદૂર ફરી શરુ થશે?  

વધુમાં તેમણે કહ્યું કે, ભારતે આ કાર્યવાહી એટલે રોકી, કારણ કે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા, તે મેળવી લીધા હતા. ભારતે કોઈ દબાણમાં કાર્યવાહી કરી તો તે એ માનવું ખોટું છે. ઓપરેશન સિંદૂર શરુ કરવાનો હેતુ એ ટેરર નર્સરીઝને ખતમ કરવાનો હતો, જેનું વર્ષોથી પાકિસ્તાનમાં પાલન પોષણ કરવામાં આવ્યું હતું. આપણી સેનાએ ફક્ત તેને ટાર્ગેટ કર્યા જે આતંકીઓને સપોર્ટ કરીને ભારતને ટાર્ગેટ કરવામાં સતત સામેલ હતા. આ ઓપરેશનનો હેતુ યુદ્ધ શરુ કરવાનો હતો. 10 મેના દિવસે જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની એરફિલ્ડ પર પ્રહાર કર્યો, ત્યારે પાકિસ્તાને હાર માની લીધી. પાકિસ્તાને આપણા ડીજીએમઓ સાથે વાત કરી અને કહ્યું કે, મહારાજ હવે રોકો. ત્યારબાદ પાકિસ્તાનની વિનંતી પર ઓપરેશનને ફક્ત પૉઝ કરવામાં આવ્યું છે. જો પાકિસ્તાન તરફથી કંઈપણ અવળચંડાઈ કરવામાં આવી તો ઓપરેશન ફરી શરુ થશે. પાકિસ્તાનની હાર એક સામાન્ય નિષ્ફળતા નથી, આ એક સૈન્યબળ અને મનોબળ બંનેની હાર હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓનો સંપર્ક કરી યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. બંને પક્ષો વચ્ચે સંવાદ બાદ આ નિર્ણય લેવાયો હતો. 

આ પણ વાંચોઃ ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

રિઝલ્ટ મહત્ત્વનું છે, જે લક્ષ્ય હતું તે હાંસલ કર્યુંઃ રાજનાથ

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વિપક્ષના લોકો પૂછે છે કે, આપણા કેટલા વિમાન તોડી પડાયા? આ પ્રશ્ન જનભાવનાનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે અમને ક્યારેય એવું નથી પૂછ્યું કે, આપણી સેનાએ દુશ્મનના કેટલા વિમાન તોડી પાડ્યા? જો પ્રશ્ન પૂછવો જ છે તો એવો પૂછો કે, શું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું? તો તેનો જવાબ છે હા. લક્ષ્ય જ્યારે મોટું હોય, તો નાના મુદ્દા પર ધ્યાન ન આપવું જોઈએ. તેનાથી દેશની સુરક્ષા, સૈનિકોનું સન્માન અને ઉત્સાહ ઘટી શકે છે. વિપક્ષના નેતા જ જો ઓપરેશન સિંદૂર પર યોગ્ય પ્રશ્ન નથી પૂછી શકતા, તો શું કહું? ચાર દાયકાથી વધુ સમયથી રાજકારણમાં છું. ક્યારેય રાજકારણને દુશ્મનની દૃષ્ટિએ નથી જોયું. આજે અમે સત્તાપક્ષમાં છીએ, જરૂરી નથી કે, હંમેશા સત્તામાં રહીશું. જનતાએ જ્યારે અમને વિપક્ષ તરીકે પસંદ કર્યા ત્યારે અમે સકારાત્મકતાથી તેને પણ નિભાવ્યું છે. 

આ સિવાય રાજનાથ સિંહે ચીન સાથેનું યુદ્ધ યાદ કરતાં કહ્યું કે, આપણે 1962માં ચીન સાથે એક યુદ્ધમાં દુઃખદ પરિણામ મેળવ્યું હતું. ત્યારે અમે પૂછ્યું હતું કે, આપણી ધરતી પર બીજા દેશનો કબ્જો કેવી રીતે થયો? અમે પૂછ્યું હતું કે, સેનાના જવાન ઘાયલ કેવી રીતે થયા? અમે મશીનો અને તોપોની ચિંતા નહીં કરીને દેશની ચિંતા કરી હતી. 1971માં જ્યારે અમે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, ત્યારે અમે રાજકીય અને સૈન્ય નેતૃત્વના વખાણ કર્યા હતા. અટલજીએ સંસદમાં ઊભા થઈને તે સમયે નેતૃત્વની પ્રશંસા કરી હતી. અમે ત્યારે આવા પ્રશ્ન નહોતા પૂછ્યા. આ વાતને વધુ પ્રેક્ટિકલ રીતે સમજાવું તો પરીક્ષાનું રિઝલ્ટ મહત્ત્વનું છે. આપણે બાળકના માર્ક્સ પર ધ્યાન આપવું જોઈએ, એ વાતનું નહીં કે, પરીક્ષા દરમિયાન તેની પેન્સિલ કેટલી તૂટી? રિઝલ્ટ એ છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે લક્ષ્ય ધાર્યું હતું, તેને પૂર્ણ કરવામાં સફળતા મળી છે. ભારત પાકિસ્તાન સહિત દરેક પાડોશી દેશ સાથે મિત્રતા અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે ઇચ્છુક રહ્યું છે. 

Tags :