Get The App

'એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..' સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા કહ્યું

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
'એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..' સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા કહ્યું 1 - image


Supreme Court News: સુપ્રીમ કોર્ટે બિહારમાં જાહેર કરાયેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. સોમવારે (28મી જુલાઈ) હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ(ECI)ને સવાલ કર્યો હતો કે, 'મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, વોટર આઇડી અને રેશન કાર્ડ કેમ સ્વીકારવામાં આવી રહ્યા નથી.' નોંધનીય છે કે, કોર્ટે ચૂંટણી પંચને આ ડૉક્યુમેન્ટનો સમાવેશ કરવા અને મંગળવારે (29મી જુલાઈ) સવારે 10:30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું...

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે સુનાવણીમાં કહ્યું કે, 'જો ફેક ડૉક્યુમેન્ટની વાત કરીએ તો પૃથ્વી પર એવો કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ ન કરી શકાય. તો પછી તમારા 11 ડૉક્યુમેન્ટનો આધાર શું છે?'

આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

સુનાવણી દરમિયાન ચૂંટણી પંચના વકીલે જણાવ્યું હતું કે, અમને રેશનકાર્ડ સ્વીકારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટા પાયે નકલી રેશનકાર્ડ છે. અમે કહી રહ્યા છીએ કે આધાર નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ ઓળખના પુરાવા તરીકે આઘાર સબમિટ કરી શકાય છે. અમારા ફોર્મમાં કહેવામાં આવ્યું છે કે તમારો આધાર નંબર આપો.

ડ્રાફ્ટ મતદાર યાદી બંધ કરવાની માંગ

અરજીદારોના વકીલ ગોપાલ શંકર નારાયણે ડ્રાફ્ટ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવા પર રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, 'ડ્રાફ્ટ યાદી તેમના અધિકારોને અસર કરતી નથી અને જો જરૂર પડશે તો તે સમગ્ર પ્રક્રિયાને રદ કરી શકે છે.'સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આગામી તારીખે વિગતવાર સુનાવણી માટે સમય નક્કી કરશે. ત્યારબાદ જ અમે ડ્રાફ્ટ શેડ્યુલ વિશે વાત કરીશું.'

SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?

ચૂંટણી પંચ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે. 

Tags :