ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ
Allahabad High Court : અલ્હાબાદ હાઈકોર્ટે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી જેવા વર્ચ્યુઅલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારને તાત્કાલિક કાયદો બનાવવાની ભલામણ કરી છે. કોર્ટે કહ્યું કે, જાહેર જુગાર અધિનિયમ, 1867 હવે અપ્રાસંગિક બની ગયો છે અને વર્તમાન ડિજિટલ યુગના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે. જસ્ટિસ વિનોદ દિવાકરની સિંગલ બેન્ચે આગ્રાના રહેવાસી ઇમરાન ખાન અને અન્ય લોકોની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. અરજદારો સામે ત્રણ વર્ષ પહેલાં જાહેર જુગાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
કોર્ટે સમિતિ રચનાનો આદેશ કર્યો
કોર્ટે સરકારને આર્થિક સલાહકાર પ્રો. કે. વી રાજૂની અધ્યક્ષતામાં એક સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમિતિમાં મુખ્ય સચિવ (રાજ્ય કર) અને ટેકનિકલ નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવશે, જે વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને એક નવું કાયદાકીય માળખું તૈયાર કરશે.
કોર્ટે કહ્યું કે, વર્તમાન સમયમાં ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ યુવાનો અને કિશોરોને ઝડપથી તેમની જાળમાં ફસાવી રહ્યું છે. સરળતાથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો હતાશા, અનિદ્રા, ચિંતા અને સામાજિક વિઘટન જેવી માનસિક સમસ્યાઓમાં ફસાઈ રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને નીચલા અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ આર્થિક નુકસાનનો ભોગ બની રહ્યા છે.
વર્તમાન કાયદો અપર્યાપ્ત
જાહેર જુગાર અધિનિયમ 1867 માં વધુમાં વધુ રુ. 2000 દંડ અને 12 મહિનાની જેલની જોગવાઈ છે, જે ઓનલાઈન જુગારના વ્યાપને ધ્યાનમાં રાખીને બિનઅસરકારક સાબિત થઈ રહી છે. આ ઉપરાંત ફેન્ટસી સ્પોર્ટ્સ, પોકર અને ઈ-સ્પોર્ટ્સ જેવી ઓનલાઈન ગેમ્સ અંગે કોઈ કાનૂની સ્પષ્ટતા નથી કારણ કે, તેમના સર્વર મોટાભાગે ભારતની બહાર હોય છે. કોર્ટે રજિસ્ટ્રારને આદેશની નકલ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવને સોંપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી યોગ્ય કાર્યવાહી અને પાલન સુનિશ્ચિત કરી શકાય.
અન્ય દેશોના કાયદા વ્યવસ્થા
કોર્ટે કહ્યું કે,' યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઓનલાઈન જુગારને કાયદા હેઠળ લાવીને નિયંત્રિત કર્યો છે. યુકેનો 2005નો જુગાર કાયદો એક ઉદાહરણ છે, જેમાં લાઇસન્સિંગ, ઉંમર ચકાસણી, જાહેરાત ધોરણો અને મની લોન્ડરિંગ વિરોધી પગલાંનો સમાવેશ થાય છે. ભારતમાં નીતિ આયોગે ડિસેમ્બર 2020 માં એક નીતિ પત્ર બહાર પાડ્યો હતો, પરંતુ અત્યાર સુધી તે એક 'ગ્રે ઝોન' માં છે.