પરિવારમાં પુત્રી કરતાં પૂત્રવધુનો અધિકાર વધુ : અલ્હાબાદ હાઈકોર્ટ

સરકારને ડિપેન્ડન્ટ ક્વૉટાના નિયમ બદલવા હાઈકોર્ટનો ચૂકાદો

લાઈસન્સધારકનું મોત થતાં પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ કરી રાશનની દુકાન ફાળવવા ઉત્તર પ્રદેશ સરકારને હાઈકોર્ટનો નિર્દેશ


પ્રયાગરાજ, તા. ૭
અલ્હાબાદ હાઈકોર્ટે ડિપેન્ડન્ટ (આશ્રિત) ક્વોટા સંબંધિત એક કેસમાં સુનાવણી દરમિયાન એક શકવર્તી ચૂકાદો આપ્યો છે. કોર્ટે ડિપેન્ડન્ટ ક્વોટાના કેસમાં પરિવારમાં પુત્રી કરતાં પુત્રવધુનો અધિકાર વધુ હોવાનો ચૂકાદો આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ડિપેન્ડન્ટ ક્વોટાના નિયમોમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવા જણાવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાશનની દુકાનનું લાઈસન્સ ધરાવનારનું મોત થતા આ દુકાનની ફાળવણી માટે પૂત્રવધુ (વિધવા અથવા સધવા)નો પરિવારમાં સમાવેશ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
આ આદેશ સાથે અલ્હાબાદ હાઈકોર્ટે પુત્રીને પરિવારમાં સામેલ કરવા અને પૂત્રવધુને સામેલ ન કરવા સંબંધિત એક દિશા-નિર્દેશો પણ રદ કર્યા છે. હાઈકોર્ટના આદેશ પછી હવે લાઈસન્સધારકના મોત થયા પછી રાશનની દુકાન પર પહેલો અધિકાર પૂત્રવધુનો માનવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ નીરજ તિવારીએ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (સુપરા, સુધા જૈન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય, ગીતા શ્રીવાસ્ત વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસને ટાંક્યો હતો અને અરજદાર પુષ્પા દેવીની અરજી સ્વીકારવા નિર્દેશ આપતા તેમના નામથી રાશનની દુકાન ફાળવવા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટે આ કેસમાં પૂર્ણ બેન્ચના ચૂકાદાના આધારે પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ કરવા ચૂકાદો આપ્યો હતો. પૂર્ણ બેન્ચે ડિપેન્ડન્ટ ક્વોટામાં પુત્રી કરતાં પૂત્રવધુનો અધિકાર વધુ હોવાનું જણાવ્યું હતું.
અરજદાર પુષ્પાદેવીએ હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી કે તેઓ વિધવા છે. તેમની સાસુના નામે રાશનની દુકાનનું લાઈસન્સ છે.તેમની સાસુ મહાદેવીનું ૧૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ નિધન થયું હતું, પરિણામે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ. તે અને તેના બંને બાળકો સંપૂર્ણપણે સાસુની આવક પર નિર્ભર હતા. સાસુના મૃત્યુ પછી તેમના પરિવારમાં એવો કોઈ પુરુષ અને મહિલા નથી, જેમના નામે રાશનની દુકાન ફાળવવામાં આવે. તે પોતે સાસુના કાયદેસરના ઉત્તરાધિકારી છે અને તેમના નામે રાશનની દુકાન ફાળવવામાં આવે.
અરજદારે રાશનની દુકાનની ફાળવણીના સંબંધમાં રાજ્ય સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગને અરજી કરી હતી, પરંતુ વિભાગે એમ કહીને તેની અરજી નકારી કાઢી કે ઉત્તર પ્રદેશ સરકારના પાંચ ઑગસ્ટ, ૨૦૧૯ના નિયમ હેઠળ પૂત્રવધુ અથવા વિધવા પૂત્રવધુનો પરિવારની શ્રેણીમાં સમાવેશ કરાયો નથી. તેથી પૂત્રવધુને રાશનની દુકાનની ફાળવણી કરી શકાય નહીં. આ નિયમના આધારે જિલ્લા પૂરવઠા અધિકારીએ ૧૭મી જૂન ૨૦૨૧ના રોજ રાશનની દુકાનનું લાઈસન્સ પૂત્રવધુને આપવાનો ઈનકાર કર્યો હતો. અરજદાર પુષ્પા દેવીએ પૂરવઠા વિભાગના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે પુષ્પા દેવીની અરજી સ્વીકારતા ખાદ્ય અને નાગરિક પૂરવઠા સચિવને નવો શાસનાદેશ આપવા અથવા જૂના નિયમમાં ચાર સપ્તાહમાં સુધારો કરવા નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ખાદ્ય અને નાગરિક પૂરવઠા વિભાગના અપર મુખ્ય સચિવ અને મુખ્ય સચિવને આ ચૂકાદાના અમલની જવાબદારી સોંપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના નિયમમાં પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ ન કરવા અને તેને અલગ રાખવાના નિયમને આશ્ચર્યજનક ગણાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે પૂત્રવધુને ડિપેન્ડન્ટ ક્વોટામાં પુત્રી કરતાં વધુ અધિકાર મળવો જોઈએ. તેથી પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ કરવામાં આવે.

City News

Sports

RECENT NEWS