VIDEO: હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
Himachal Pradesh Heavy Rain Update: પૂર અને વરસાદ વચ્ચે, હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે. હિમાચલના મંડીના ધર્મપુર, લૌંગણીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં 7થી 8 મકાન પાણીમાં વહી ગયા છે. અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવી પણ તસવીરો સામે આવી છે. હાલ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, કુલ્લુની બંજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે.
કરસોગમાં પૂરના કારણે ગાડી પલટી
કરસોગના મેગલીમાં નાળામાં પાણી ગામથી થઈને વહેવા લાગ્યો જેનાથી લગભગ 8 ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ છે. પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપે વહી રહ્યા છે કે, પાણી ગામડાંઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરોમાંથી નીકળીને રસ્તા પર પહોંચી ગયા છે. હાલ, પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં એક એન્જિનિયર 3 વર્ષ સુધી ફ્લેટમાં જ કેદ રહ્યો, ઘર અને તેની હાલત જોઈ બધા ચોંક્યા
ધર્મપુરમાં નદીનું પાણી લગભગ 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજાર અને પોલીસ સ્ટેશન જળમગ્ન થઈ ગયા છે. થુનાગમાં મુખ્ય બજારના રસ્તામાં જ નાળું વહેવા લાગ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે લોકોને આખી-આખી રાત જાગવું પડ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાની ખાનગી વસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, વળી રસ્તા પર પરિવહન પણ ખોરવાઈ ગયું છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં અનેક ઇમારતો તૂટી 23 લોકોના મોત
સોમવારે ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક ઇમારતો તૂટી ગઈ હતી અને ભૂસ્ખલનના કારણે રસ્તા પર પણ અવરોધ ઊભા થયા છે. ભારે વરસાદના કારણે વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનના કારણે મંડીમાં 129 અને સિરમૌર જિલ્લામાં 92 સહિત રાજ્યમાં 259 રસ્તા બંધ થઈ ગયા અને 614 ટ્રાન્સફોર્મર તેમજ 130 પાણી પુરવઠાની યોજનાઓ ખોરવાઈ. 20 જૂને વરસાદના આગમન બાદથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 23 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, પાણીમાં વહી જવાના કારણે અનેક લોકો ગુમ હોવાના માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા હાલ તે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
હિમાચલમાં આજે કેવી સ્થિતિ?
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે જ્યાં નદી-નાળા ઉભરાઈ રહ્યા છે, ત્યાં પહાડોમાં તિરાડો અને રસ્તાઓ પર કાટમાળ પડવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહેલી જુલાઈથી 6 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે પણ વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
ઘરથી બહાર ન નીકળવાની અપીલ
તંત્ર દ્વારા મંડીથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને કોઈપણ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તંત્રએ સાવચેતી આપતાં કહ્યું કે, આગામી થોડા કલાકોમાં વરસાદ હજુ વધી શકે છે એવામાં મુસાફરી કરવાથી બચો અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું પાલન કરો.