Get The App

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર... જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
Hanta Virus Alert

Hanta Virus Alert: સમુદ્રની સફરે નીકળેલું 'એમવી હોન્ડિયસ' જહાજ હાલમાં જીવલેણ હેન્ટા વાઇરસના ભરડામાં છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ વાઇરસના સંક્રમણને કારણે જહાજ પર સવાર ત્રણ મુસાફરોના કરુણ મોત થયા છે, જ્યારે એક ફ્રાન્સની મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે વધતાં ખતરાને જોતાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)એ મહત્ત્વની અપડેટ જાહેર કરી છે. 

સંક્રમણની શરૂઆત અને જહાજની સ્થિતિ

સ્વાસ્થ્ય અધિકારીઓના મતે, સંક્રમણની શરૂઆત નેધરલૅન્ડના એ દંપતીથી થઈ હતી જેઓ દક્ષિણ અમેરિકાની યાત્રા દરમિયાન આ વાઇરસના સંપર્કમાં આવ્યા હોવાનું મનાય છે. હાલમાં જહાજ પરથી તમામ 87 મુસાફરો અને 35 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ જહાજ હવે નેધરલૅન્ડ તરફ જઈ રહ્યું છે, જ્યાં તેને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવશે. નેધરલૅન્ડ પહોંચેલા તમામ મુસાફરો અને સ્ટાફને સાવચેતીના ભાગરૂપે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

બ્રિટિશ મુસાફરો માટે કડક નિયમો અને WHOની ચેતવણી

બ્રિટન પરત ફરેલા 20 નાગરિકો સહિત અન્ય વિદેશી મુસાફરોને ઉત્તર-પશ્ચિમ ઇંગ્લૅન્ડની હૉસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોએ 45 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. WHOના પ્રમુખ ટ્રેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું છે કે, હાલમાં સંક્રમણ માત્ર જહાજના મુસાફરો અને સ્ટાફ સુધી જ મર્યાદિત છે, તેથી તેને કોઈ મોટા રોગચાળાની શરૂઆત માનવી જોઈએ નહીં. જોકે, તેમણે ચેતવણી આપી છે કે વાઇરસના લક્ષણો દેખાવામાં સમય લાગતો હોવાથી આગામી દિવસોમાં નવા કેસ સામે આવી શકે છે. સ્પેનમાં પણ એક મુસાફરમાં આ વાઇરસની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચો: 'મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય...',CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય

ભારતીય નાગરિકો સંપૂર્ણ સુરક્ષિત

રાહતના સમાચાર એ છે કે ભારતમાં હજુ સુધી હેન્ટા વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી. અગાઉ આ ક્રૂઝ પર સવાર બે ભારતીયો સંક્રમિત થયા હોવાની આશંકા હતી, પરંતુ ભારતીય દૂતાવાસ અને આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બંને ભારતીય ક્રૂ સભ્યો સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમનામાં વાઇરસના કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી. સ્પેન સ્થિત ભારતીય રાજદૂત સતત સ્પેનિશ અધિકારીઓના સંપર્કમાં છે અને આ ભારતીયોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.