For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાનમાં ગેહલોત સરકારની લેખિત ખાતરી બાદ આખરે ગુર્જર આંદોલન સમેટાયું

- ગુર્જર નેતાએ નવ દિવસની અસુવિધા બદલ લોકોની માફી માંગી

Updated: Feb 16th, 2019

Article Content Image

(પીટીઆઈ) જયપુર, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર

રાજસ્થાનમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ગુર્જર આંદોલનનો આખરે અંત આવ્યો છે. રાજસ્થાનમાં પાંચ ટકાની માંગ સાથે ગુર્જર સમૂદાય આંદોલન પર ઉતર્યો હતો. આ મામલે રાજ્ય સરકારની લેખિત ખાતરી મળતા ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલાએ શનિવારે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

બુધવારે રાજસ્થાન સરકારે વિધાનસભામાં ગુર્જરોને અનામત આપતું બિલ પારિત કર્યુ હતું જેને રાજ્યપાલે મંજૂર કર્યું હતું. જો કે તેમ છતા લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન જારી રાખવામાં આવ્યુ હતું.

રાજ્યના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે ગુર્જર નેતા કિરોડી સિંહને લેખિત આશ્વાસન સોંપ્યુ હતું. રાજ્ય સરકારે લેખિતમાં ખાતરી આપી છે કે વિધાનસભામાં પસાર થયેલા આ બિલને જો કોઈ કાનૂની પડકાર આપશે તો સરકાર ગુર્જરોને સંપૂર્ણ ટેકો આપશે.

સરકાર દ્વારા લેખિત ખાતરી મળતા જ કિરોડી સિંહે રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ સમૂદાયના લોકોને રસ્તાઓ પરથી અવરોધો હટાવી લેવા સૂચન કર્યુ હતું. આરક્ષણની માંગ સાથે આંદોલન પર ઉતરેલી ગુર્જર સહિત પાંચ પછાત જાતિના લોકોએ રેલ્વે અને વાહન વ્યવહાર રોકી દીધો હતો. જો કે આંદોલન સમાપ્ત થતા જ પરિવહન સેવાઓ રાબેતા મુજબ શરુ કરી દેવાઈ છે.

 ઉત્તર પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યા મુજબ આંદોલનના કારણે છેલ્લા આઠ દિવસોમાં ૬૪ ટ્રેન રદ કરવી પડી હતી, ૭૧ ટ્રેનને ડાયવર્ટ કરવી પડી હતી અને ૩૨ ટ્રેનને પાર્શિયલી કેન્સલ કરવી પડી હતી.

Gujarat