વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સરકારે
National Transport Repository New Policy : કેન્દ્ર સરકારે વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચલાન, રોડ અકસ્માતો સંબંધીત ડિજિટલ ડેટાબેઝને લઈને નવા નિયમ જાહેર કર્યા છે. આ ડેટાબેઝનું નામ ‘નેશનલ ટ્રાન્સપોર્ટ રિપોઝિટરી’ (NTR) છે, જેમાં વાહનવ્યવહાર સંબંધીત તમામ પ્રકારના રેકોર્ડ રાખવામાં આવે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ મહિનાની શરૂઆતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા નિયમ એટલે કે ‘NTRથી ડેટા શેરિંગની નીતિ’ પણ મોકલી દીધી છે.
ડેટાબેઝ NTRમાં પાંચ મુખ્ય ડિજિટલ સેવાઓનો ડેટા સામેલ
વાહનવ્યવહાર ક્ષેત્રે ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી પાંચ મુખ્ય ડિજિટલ સેવાઓ વાહન (Vahan), સારથી (Sarathi), ઈ-ચલાન, eDAR (ઈલેક્ટ્રોનિક એક્સિડન્ટ રિપોર્ટ) અને ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન FASTag જેવા પ્લેટફોર્મ્સનો તમામ ડેટા ડેટાબેઝ NTRમાં સામેલ છે. આ ડેટાબેઝમાં 39 કરોડથી વધુ વાહનોના રજિસ્ટ્રેશન નંબર સહિતની માહિતી, 22 કરોડથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સના રેકોર્ડ છે. આમ જોતા તેને દેશનો સૌથી મોટો સરકારી ડેટાબેઝ માની શકાય છે.
નાગરિકોની ગોપનીયતા જાળવવામાં આવશે
સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ડેટાબેઝનાં રેકોર્ડમાં સામેલ નાગરિકોની ગોપનીયતાને અંતિસંવેદનશીલ રીતે જાળવવામાં આવશે. આ નિયમો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 અને મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ હશે. દરેક વ્યક્તિને માત્ર તેના કાર્ય સાથે સંબંધિત ડેટા જ મળશે અને જ્યાં જરૂર હશે ત્યાં નાગરિકની સંમતિ ફરજિયાત રહેશે. મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે દરેક ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષા અને ગોપનીયતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે.
ડેટા કોણ કોણ જોઈ શકશે?
નવી નીતિ મુજબ, પોલીસ અને તપાસ એજન્સીઓને સમગ્ર ડેટાબેઝની સંપૂર્ણ પહોંચ મળશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના પોતાના ક્ષેત્રનો ડેટા જોઈ શકશે. સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓને માત્ર નામ વગરનો ડેટા આપવામાં આવશે. જ્યારે સામાન્ય નાગરિકો એમપરિવહન અને ડિજીલોકર જેવી એપ્સ પર દિવસમાં ફક્ત ત્રણ વખત જ ચકાસણી કરી શકશે. વીમા કંપનીઓ, બેંકો અને અન્ય ખાનગી સેવાઓને તેમની ભૂમિકા અનુસાર ડેટાની પહોંચ મળશે, પરંતુ આ માટે કડક સુરક્ષા નિયમોનું પાલન કરવું પડશે.
ડેટા શેરિંગની ટેકનિકલ પ્રક્રિયા
ડેટા શેરિંગ માટે સૌથી સુરક્ષિત પદ્ધતિ API-આધારિત એક્સેસ છે, જેમાં ઓથેન્ટિકેશન, એન્ક્રિપ્શન અને IP વ્હાઇટલિસ્ટિંગ જેવી સુવિધાઓ હશે. સરકારી વિભાગોને આધાર-વેરિફાઇડ પોર્ટલ દ્વારા ડેટા મળશે, જ્યારે ખાનગી કંપનીઓને નાગરિકની સંમતિના આધારે મળશે. મોટા પાયે ડેટા ટ્રાન્સફર ફક્ત ખાસ કિસ્સાઓમાં જ અને તે પણ સુરક્ષિત રીતે કરાશે.