Gujarat's Aravalli Mountains Controversy : કરોડો વર્ષોથી અરવલ્લી પર્વતમાળા ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન છે પરંતુ તાજેતરના નીતિગત ફેરફારો પછી તેના અસ્તિત્વ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરવલ્લી પર્વતની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં આવશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો અભિયાન ઉપર ગુજરાતમાં છેડાયું છે. ત્યારે હવે આ મામલે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવાઈ : પર્યાવરણ મંત્રી
ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ‘અરવલ્લી પર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અંગે જાણીજોઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સરકાર દેશની આ સૌથી જૂની પર્વતમાળાના સંરક્ષણ માટે સતત કાર્યરત છે અને પર્યાવરણ તથા અર્થતંત્ર બંનેને સંતુલિત કરવાની નીતિ પર મક્કમ છે.’

ખનન માટે છૂટ આપવામાં આવી નથી : ભૂપેન્દ્ર યાદવ
ભૂપેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે, ‘કોર્ટે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં ફેલાયેલી અરવલ્લી શ્રૃંખલાનું સંરક્ષણ વૈજ્ઞાનિક આકલનના આધારે કરવા સ્પષ્ટ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે બનાવેલી ટેકનિકલ સમિતિ માત્ર ખનન સાથે જોડાયેલા પાસાઓની તપાસ કરવા માટે છે, તેનો અર્થ એ નથી કે ખનન માટે છૂટ આપવામાં આવી છે.’

અરવલ્લીમાં 20 વન્યજીવ અભયારણ્ય અને ચાર ટાઈગર રિઝર્વ
100 મીટરના નિયમ અંગેના ભ્રમને દૂર કરતા તેમણે કહ્યું કે ‘એનસીઆર વિસ્તારમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને નવી લીઝ આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અરવલ્લીમાં 20 વન્યજીવ અભયારણ્ય અને ચાર ટાઈગર રિઝર્વ હોવાથી તેનું પર્યાવરણીય મહત્વ ઘણું વધારે છે. આ જ કારણે સરકાર તેના સંરક્ષણને લઈને ગંભીર છે.’

કોંગ્રેસના સરકાર પર પ્રહાર
બીજી તરફ, કોંગ્રેસે આ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ ચેતવણી આપી છે કે, ‘જો અરવલ્લી સાથે જોડાયેલો નવો આદેશ લાગુ થશે તો સમગ્ર પર્યાવરણનું સંતુલન બગડી જશે. અરવલ્લી પર્વતમાળા થારના રણની રેતીને આગળ વધતી રોકીને દિલ્હી અને હરિયાણાની ખેતીનું રક્ષણ કરે છે.’ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ અગાઉ ચેતવણી આપી છે કે ‘10 હજાર જેટલી પહાડીઓમાં ખનન પ્રવૃત્તિથી ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને રોકવું જરૂરી છે.’

ખનિજ ખનનથી નુકસાન થવાની દહેશત
સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે 90 ટકા પર્વતમાળામાં જમીન અને ખનિજ ખનનથી નુકસાન થવાની દહેશત પર્યાવરણ પ્રેમીઓએ વ્યક્ત કરી છે. થારના રણને વેગ આપી ફળદ્રુપ જમીનો ઉજ્જડ બનાવતી, સાબરમતી સહિતની નદીઓના પાણી સૂકવાય, ગૌચરો ગાયબ કરતી આ થોડાક આર્થિક હિતોના વિકાસની નીતિ સામે ઠેર ઠેર વિરોધનો સૂર ફુકાઈ રહ્યો છે.
અરવલ્લી પર્વત મુદ્દે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો?
20 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં આજુબાજુની જમીન કરતાં 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતો ડુંગર અથવા તો પર્વતનો ભાગ જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં ગણવામાં આવશે.
આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિરોધ
અરવલ્લીની ગીરીમાળામાં 12,081 પર્વતો આવેલા છે, જેમાં 1048 પર્વતો 100 કે તેથી વધુ મીટરની ઊંચાઈ ધરાવે છે એટલે કે નવી વ્યાખ્યા મુજબ 8.7 ટકા પર્વતો જ તેમાં ગણી શકાશે અને 90 ટકાથી વધુ પર્વતો પર જમીન અને ખનિજ ખનન દ્વારા નુક્સાન થવાની દહેશત સાથે રાજસ્થાન અને હવે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ અરવલ્લી બચાવો અભિયાન સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ પ્રાકૃતિક દીવાલો હટતાં પર્વતોનું કાનૂની રક્ષણ દૂર થતાં વધનાર ખનન, ખાણકામ, પથ્થર ક્રશીંગ, ઔદ્યોગિક પ્રવૃતિઓથી પર્યાવરણીય સમતુલા અસમતોલ થશે અને થાર રણનો વ્યાપ વધશે, વરસાદી પાણી નહીં રોકાતા ભૂગર્ભ જળ રીચાર્જ બંધ થશે, રણ વધતાં ફળદ્રુપ જમીનો ઉજજડ બનશે.
...તો નાશ થઈ જશે
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી અરવલ્લી પર્વતમાળાની શ્રેણીમાં ન આવતી ગીરીમાળાઓમાં ખનિજ ખોદકામ માટે છૂટો દોર આપી દેવામાં આવશે તો સમગ્ર ઉત્તર ગુજરાત માટે સુરક્ષા ઢાલ જેવી પર્વતમાળા ટૂંકા વર્ષોમાં નેસ્તનાબૂદ થઈ શકે છે. પર્વતમાળાનો નાશ થશે તો થારના રણની અસર ઉત્તર ગુજરાત સુધી વધવાની ભીતી વ્યક્ત થઈ છે. જમીનની ઉર્વતા ઘટવાથી ખેતી અને લાંબા ગાળે પશુપાલન પર માઠી અસર થઈ શકે છે. અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત સરકારને ખનન પર કડક નિયંત્રણ લાવવાની વન વિસ્તારનું રક્ષણ કરવાની અને વિકાસ તેમજ પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની માંગ કરવામાં આવી છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લો પર્વતમાળાની વચ્ચે ઘેરાયેલો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ પર્વતમાળાની વચ્ચે ઘેરાયેલો છે અને કરોડો વર્ષોથી પર્વતમાળા કુદરતી આફતો સામે એક સુરક્ષા ચક્ર જેવી બની રહી છે જો અરવલ્લી પર્વતમાળા નહીં બચે તો આવનારા સમયમાં પાણીની સમસ્યા, હવામાનનું અસંતુલન અને ગ્રામ્ય જીવન ઉપર ગંભીર અસર પડી શકે છે. વિકાસ જરૂરી છે પરંતુ તે પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ તેવા અવાજ અને લાગણી સાથે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડીયામાં અરવલ્લી બચાવો અભિયાન તેજ બન્યું છે.
આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો
પર્વતમાળામાં આડેધડ ખોદકામ થશે તો શું જોખમ ?
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા ચુકાદામાં અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતો વિસ્તાર જ અરવલ્લી પર્વત શ્રેણીમાં ગણવામાં આવશે. આ ચુકાદાથી 90 ટકાથી વધુ પર્વતો પર જમીન અને ખનિજ ઉત્ખનન દ્વારા શોષણ થવાની શક્યતા છે. જો સરકાર દ્વારા આડેધડ માઇન્સને મંજૂરી આપવામાં આવી તો વન વિનાશ, ખનનથી જળસ્તર ઘટવાની ભીતી, માનવ અને વન્ય જીવ વચ્ચે સંઘર્ષ વધી શકે, જમીનની ઉર્વતા ઘટવાનો ખતરો તેમજ હવામાનનું અસંતુલન પણ થવાની દહેશત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અરવલ્લી પર્વતમાળાનું મહત્ત્વ
- રણને રોકતી કુદરતી દીવાલ: અરવલ્લી ઉત્તર તથા પૂર્વ ભારતને થાર રણના વિસ્તરણથી બચાવે છે. આ પર્વતમાળા ગરમ પવનની તીવ્રતા ઘટાડીને જમીનને બેરણ બનતાં અટકાવે છે.
- જળસ્ત્રોતની જીવન રેખા: અરવલ્લી પર્વતમાળા વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રીચાર્જ કરે છે અને અનેક નદીઓ, તળાવો, બોર તેમજ કૂવા અરવલ્લી પર આધારિત છે.
- જૈવવૈવિદ્યતાનો આધાર: અરવલ્લી પર્વતમાળામાં લાખો વૃક્ષો, વનસ્પતિઓ, પક્ષીઓ અને વન્ય જીવોનો વસવાટ છે અને આજ તેમનું કુદરતી નિવાસ અને પ્રજનનક્ષેત્ર ગણાય છે.
- હવામાન સંતુલન: અરવલ્લીની પર્વતમાળા તાપમાન નિયંત્રિત રાખે છે, ગરમ પવનોને રોકે છે અને ચોમાસાને સહારો આપે છે.
- જમીન અને ખેતીની સુરક્ષા: અરવલ્લી પર્વતમાળાના કારણે માટીનું ધોવાણ ઓછું થાય છે. જમીનની ઉર્વતા જળવાય છે અને ખેતી ઉપર સકારાત્મક અસર પડે છે.
- ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો: અરવલ્લીની પર્વતમાળા પ્રાચીન સંસ્કૃતિઓની સાક્ષી છે, કિલ્લાઓ, મંદિરો, લોકજીવન અને પરંપરાઓ આ પર્વતમાળા સાથે જોડાયેલી છે.
- આજીવિકા અને પ્રવાસન: વન ઉત્પાદન, પશુપાલન, ઈકો ટુરીઝમ તેમજ સ્થાનિક રોજગાર માટે અરવલ્લીની પર્વતમાળા આધાર સ્તંભ માનવામાં આવે છે.
- કુદરતી આપત્તીઓથી રક્ષણઃ પૂર, ઘૂળ, આંધી, હિટવેવ, જમીનનો ક્ષય જેવા જોખમોનું પ્રમાણ ઘટાડવામાં અરવલ્લી પર્વતમાળા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલ-પાથલના એંધાણ, જાણો શું થયું


