India

સીમાંકન માટે સરકારનો સળવળાટ : સંસદની વિશેષ બેઠક

By GS Team
27 Nov 20264 mins read
TukuTouch Logo
મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ પર ચર્ચા માટે આજે કેબિનેટ બેઠક યોજાશે. સંસદના ચોમાસુ સત્ર બાદ 108 દિવસ પછી સોમવારે લોકસભા અને બુધવારે રાજ્યસભાની વિશેષ બેઠક બોલાવાઈ છે. આ બિલ પસાર કરાવવા સરકારને 361 મતોની જરૂર છે. વિપક્ષ પણ આ મુદ્દે રણનીતિ ઘડવા બેઠક યોજશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન માટે સરકારનો સળવળાટ : સંસદની વિશેષ બેઠક
  • મહિલા અનામત કાયદા-સીમાંકન બિલ પર આજે કેબિનેટમાં ચર્ચા થશે, રણનીતિ ઘડવા વિપક્ષની પણ બેઠક
  • ચોમાસુ સત્ર સ્થગિત થયાના ૧૦૮ દિવસ બાદ સોમવારે લોકસભા, બુધવારે રાજ્યસભાની વિશેષ બેઠકની કેન્દ્રની જાહેરાત
  • મહિલા અનામત-સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ પાસ કરાવવા સરકારને ૩૬૧ મતોની જરૂર

નવી દિલ્હી : મહિલા અનામત કાયદા અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારણા બિલ મુદ્દે એક વખત પછડાટ ખાઈ ચૂકેલી કેન્દ્ર સરકારે ૧૦૦ દિવસથી પણ વધુ સમય રાહ જોયા પછી અંતે આગામી સપ્તાહે ચોમાસુ સત્રના ભાગરૂપે સંસદની વિશેષ બેઠક બોલાવવાની જાહેરાત કરી છે. સંસદીય કાર્યમંત્રી કિરેણ રિજિજૂએ કરેલી જાહેરાત મુજબ સોમવારે લોકસભા અને બુધવારે રાજ્યસભાની વિશેષ બેઠક બોલાવાશે. સરકારે બેઠકનો કોઈ એજન્ડા જાહેર નથી કર્યો, પરંતુ તેમાં મહિલા અનામત કાયદો અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારણા બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આગામી સપ્તાહે સંસદની વિશેષ બેઠક પહેલાં કેન્દ્ર સરકારે શુક્રવારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠક બોલાવી છે, જેમાં આ બિલ પર ચર્ચા થવાની શક્યતા છે. બીજીબાજુ વિપક્ષે પણ આ મુદ્દે રણનીતિ ઘડવા બેઠક બોલાવી છે.
કેન્દ્ર સરકારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને ૩૦ નવેમ્બરને સોમવારે લોકસભા અને બે ડિસેમ્બરને બુધવારે રાજ્યસભાની બેઠક બોલાવવા વિનંતી કરી છે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, જરૂરી સરકારી કામકાજ પૂરા કરવા માટે આ વિનંતી કરવામાં આવી છે. કયા-કયા મુદ્દા અને પ્રસ્તાવ પર ગૃહમાં રજૂ કરાશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. જોકે, આ બેઠક પૂરી થવાની સાથે બંને ગૃહોની કાર્યવાહી ૩ ડિસેમ્બરને ગુરુવારે પૂરી થઈ જશે. જોકે ૩ ડિસેમ્બરે કાર્યવાહી પૂરી થવાની બાબત હાલ પૂરતી સંભવિત છે. કાર્યવાહી પૂરી થઈ કે કેમ તે કામકાજની જરૂરિયાતો પર નિર્ભર કરશે.
સંસદના ચોમાસુ સત્રમાં બંને ગૃહોની બેઠક ૧૩ ઓગસ્ટથી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ હતી, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં લોકસભા કે રાજ્યસભાનું ચોમાસુ સત્ર સમાપ્ત થયાની જાહેરાત કરાઈ નથી, જેથી ચોમાસુ સત્ર ઔપચારિકરૂપે ચાલુ છે. તેને ૧૦૦ દિવસથી વધુ થઈ ગયા છે અને તેણે ૨૦૦૮માં બનેલા ૮૭ દિવસના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે. આગામી સપ્તાહે બોલાવાયેલી વિશેષ બેઠક ચોમાસુ સત્રના ભાગરૂપ યોજાશે. સોમવારે સંસદનું સત્ર યોજાય તે પહેલા શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠક યોજાશે.
સંસદનું ચોમાસુ સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાયું હતું ત્યારથી મહિલા અનામત કાયદો લાગુ કરવા અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારણા બિલને પાસ કરાવવા માટે કેન્દ્ર સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે તેવી ચર્ચાઓ ચાલતી હતી. સૂચિત બંધારણીય સુધારણા બિલ હેઠળ સીમાંકન મારફત લોકસભાની વર્તમાન ૫૪૩ બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ ૮૫૦ કરવાની દરખાસ્ત છે. તેનો આશય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાનો રસ્તો સાફ કરવાનો છે. જોકે, આ બિલ પસાર કરાવવા માટે સરકાર સમક્ષ સંખ્યાબળ મોટો પડકાર છે.
કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદા અને સીમાંકન બિલ મુદ્દે ચર્ચા કરવા માટે શુક્રવારે પીએમ મોદીના અધ્યક્ષપદે સેવાતીર્થ ખાતે બપોરે ૧.૦૦ કલાકે કેબિનેટની બેઠક બોલાવી છે, જેમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. બીજીબાજુ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે પણ સાંજે ૪.૩૦ કલાકે સંસદીય રણનીતિ સમૂહની બેઠક બોલાવી છે. આ બેઠકનું અધ્યક્ષપદ સોનિયા ગાંધી સંભાળશે. આ બેઠકમાં વિપક્ષના અન્ય નેતાઓ પણ જોડાય તેવી સંભાવના છે.
બંધારણીય સુધારણા બિલને લોકસભામાં પસાર કરાવવા માટે બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે. ૫૪૩ સભ્યોના ગૃહમાં તેના માટે ૩૬૧ મત જોઈએ. ત્રણ બેઠક ખાલી હોવાના કારણે હાલ ગૃહમાં ૫૪૦ સભ્યો છે. એનડીએ પાસે ૩૨૦ સભ્યો છે અને તેને આ બિલ પસાર કરાવવા માટે વિપક્ષના સમર્થનની જરૂર પડી શકે છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકારને બંધારણીય સુધારા બિલ લોકસભામાં ૧૫થી ૧૮ મતોથી પસાર થઈ જવાની આશા છે. આ પહેલાં ૧૭ એપ્રિલે સંસદના વિશેષ સત્રમાં આ બિલ પાસ કરાવવા માટે સરકાર જરૂરી સમર્થન મેળવી શકી નહોતી.

કેન્દ્ર સરકારની મમતથી 'અખંડ ભારત' ફરી 'ખંડીત' થવાનો ભય !
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર લાંબા સમયથી સંસદની ૫૪૩ બેઠકોને વધારીને ૮૫૦ કરવાની તૈયારી કરી રહી છે, જેના માટે સીમાંકન બિલ તૈયાર કરાયું છે. કેન્દ્ર સરકાર આ બિલ પસાર કરાવવા મમતે ચઢી છે. સરકારે આ પહેલાં ૧૭ એપ્રિલે વિશેષ સત્ર બોલાવી મહિલા અનામત-સીમાંકન બિલ સંબંધિત બંધારણીય સુધારણા બિલ રજૂ કર્યું હતું, પરંતુ તેને બહુમતી ના મળતા પીછેહઠ કરવી પડી હતી. હવે લગભગ સાત મહિના પછી ફરી એક વખત કેન્દ્ર સરકાર આ બિલ પસાર કરાવવા સંસદની વિશેષ બેઠક બોલાવી રહી છે. જોકે, આ બિલ પસાર થઈ જશે તો સરદાર પટેલે મહામનેતે એક કરેલું ભારત ફરી એક વખત ખંડિત થઈ જાય તેવો ભય સેવાઈ રહ્યો છે. કારણ કે, આ બિલ પાસ થાય તો કેન્દ્ર સરકાર લોકસભા અને વિધાનસભા બેઠકોના એવા વિભાજન કરે કે લાંબા સમય સુધી ભાજપને સત્તા પરથી હટાવવો મુશ્કેલ બની જાય તેવો વિપક્ષને ભય છે. બીજીબાજુ વસતીના આધારે બેઠકોમાં વધારો થાય તો સંસદમાં ઉત્તર ભારતના રાજ્યોનું પ્રભુત્વ વધી જાય તેવો દક્ષિણના રાજ્યોને ભય છે. આ કારણોથી દક્ષિણના રાજ્યો સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે.