સરકારની મોટી તૈયારી, આ મહિને સંસદનું વિશેષ સત્ર મળી શકે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : વિરોધ પક્ષના વિરોધ તેમજ ચૂંટણી કમિશનને લઈને ચાલતા રાજકારણ વચ્ચે કેન્દ્ર સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિનાના છેલ્લા દિવસોમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. સિમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય ફેરફારના બીલો પર ચર્ચા તેમ જ પસાર કરવાની કોશિશ થઈ શકે છે. સરકાર સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું કહેવું છે કે, લોકસભામાં આ બીલો પસાર કરાવવા માટેનું યોગ્ય સંખ્યાબળ સરકાર પાસે છે. મહિલા અનામત બીલ તેમજ સિમાંકન બીલને રજુ કરવા માટે સરકાર ફરીથી સક્રિય થઈ ગઈ છે. આ મહિનાના અંત ભાગમાં વિશેષ સત્ર બોલાવવા માટે સરકારે તામિલનાડુના વિરોધ પક્ષ ડીએમકેનો પણ સંપર્ક કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ પણ આ બાબતે વડાપ્રધાનને પત્ર લખ્યો હોવાથી આ માહિતી સાચી હોવાની પુરેપુરી શક્યતા છે.
પંજાબમાં ફક્ત પૈસાદારો જ નહીં, ગરીબો પણ નશામા ગળાડુબ
પંજાબમાં થેયલા એક સર્વે પછી બહાર આવેલા રીપોર્ટ પ્રમાણે પંજાબમાં ડ્રગ્સનો નશો ફક્ત પૈસાદારોનો શોખ નથી, પરંતુ ગરીબો પણ એના બંધાણી બની ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ખાલિસ્તાનવાદીઓ સાથે ટક્કર લઈને ચર્ચામાં આવેલા ભારત - ઓસ્ટ્રેલિયા સ્ટ્રેટેજીક એલાયન્સના ચેરમેન ડો. જગવિંદર સિંહ વીર્કએ કહ્યું હતું કે, કોકેન જેવો મોંઘો નશો પૈસાદારો કરે છે. જ્યારે પંજાબના ગરીબો સસ્તા ભાવની ગોળીઓ અને કેમીકલ ડ્રગ્સના બંધાણી બની ગયા છે. રાજ્યમાં નશો કરનારાઓમાંથી ૭૦ ટકા યુવાનો છે. એમના કહેવા પ્રમાણે પંજાબના ૮૦ ટકા ખેડૂતો પાસે પાંચ એકરથી ઓછી જમીન છે અને મહિનાની કમાણી ૧૫,૦૦૦ આસપાસ છે. આજ એ વિસ્તારો છે કે જ્યાંથી રમતવીરો, કુશળ કારીગરો અને લશ્કરના જવાનો નીકળે છે. પહેલા મોટી સંખ્યામાં યુવાનો લશ્કરમાં જતા હતા, પરંતુ હવે લશ્કરમાં ભરતી માટે યુવાનો મળતા નથી.
રૂા. ૫,૦૦૦ મંજૂર નથી ઃ નારાજ ખેડૂતો
મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે આર્થિક મદદનું પેકેજ જાહેર કર્યું છે. જોકે મહારાષ્ટ્રના ખેડૂતોને આ મદદ ખૂબ ઓછી લાગી છે. ખેડૂતોના ખાતામાં રાહતના રૂા. ૫,૦૦૦ સીધા જમા કરવાની જાહેરાત સરકારે કરી હતી. ધારાશિવ જિલ્લાના એક સોયાબીન ખેડૂતે આ રકમનો વિરોધ કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ૫,૦૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલ્યો હતો. મહારાષ્ટ્રના ૮૫ થી વધુ તાલુકાઓમાં જ્યારે પરિસ્થિતિ ગંભીર છે ત્યારે સ્વાભાવિક છે કે આટલી ઓછી રકમથી ખેડૂતોને રાહત થઈ શકે નહીં. ફડણવીસનું કહેવું હતું કે ખેડૂતોને ૫,૦૦૦ રૂપિયા આપવાનો નિર્ણય તહેવારો પહેલા મદદ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો, કારણ કે બીજા નિર્ણયોે લેવામાં સમય લાગે એમ હતો.
તામિલનાડુમાં ૧૨૮ સ્થળે આરએસએસ માર્ચને મંજૂરી
મદ્રાસ હાઇકોર્ટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને તામિલનાડુમાં ૨૫ ઓક્ટોબરથી ૧લી નવેમ્બર સુધી ૧૨૮ સ્થળોએથી રૂટમાર્ચ કાઢવાનો રસ્તો સાફ કરી દીધો છે. પોલીસ દ્વારા પહેલા નકારવામાં આવેલા વિવિધ કારણો બાબતે કોર્ટે નારાજગી બતાવી છે. જસ્ટીસ વી લક્ષ્મીનારાયણનએ કહ્યું હતું કે, પોલીસે માર્ચ માટે સંમતી નહીં આપવાના કોઈ યોગ્ય કારણો આપ્યા નથી. કોર્ટના કહેવા પ્રમાણે પોલીસ સતત એવા કારણો રીપીટ કરી રહી છે જેને પહેલા કોર્ટે અયોગ્ય ગણાવ્યા હતા. હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે, ૧૯ ઓક્ટોબર સુધીમાં પ્રસ્તાવિત રૂટમાર્ચ અને એની સાથે થનાર જનસભાઓનો સમય, રસ્તો અને સ્થળ નક્કી કરી લે. સ્થાનિક પરિસ્થિતિને આધારે પોલીસ જરૂરી બદલાવ કરી શકે છે.
દિલ્હીમાં મોટા પોલીસ જાપ્તાથી મમતા - ટીએમસી નારાજ
મમતા ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (મમતા-એઆઇટીએમસી)ના ધારાસભ્ય કૃણાલ ઘોષએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે સુરક્ષા બંદોબસ્ત પર પ્રશ્નો કર્યો છે. એમણે મણીપુર હીંસા બાબતે પણ સવાલ પૂછયા છે અને કહ્યું છે કે મણીપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી હિંસા ચાલી રહી છે ત્યારે ત્યાં આટલી મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને મૂકવામાં કેમ નથી આવતા. રક્ષામંત્રી રાજનાથ સિંહએ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષો બાંગ્લાદેશની માફક દેશમાં સત્તા પરિવર્તન કરવા માંગે છે. આ બાબતે ઘોષએ પ્રતિઉત્તર આપ્યો છે કે યુવાન દેખાવકારો વિરુદ્ધ આટલી મોટી સંખ્યામાં પોલીસ દળ ખડકનાર સરકાર પોતાના સવાલોના જવાબ આપવામાં અસમર્થ છે. એમણે કહ્યું હતું કે, 'અમે અરાજકતાનું સમર્થન કરતા નથી, પરંતુ નવી પેઢી જે બાબતે સવાલ કરે છે એમને સંતોષકારક જવાબ આપવાની જવાબદારી સરકારની છે.'
મુંબઈમાં રેલવે પૂલના નામકરણ માટે ભાજપ - શિવસેના વચ્ચે ટકરાવ
મુંબઈના વિદ્યાવિહાર સ્ટેશન પાસે બનેલા ઇસ્ટ -વેસ્ટ વિદ્યાવિહાર પુલના વિમોચન પહેલા જ એના નામકરણ માટે વિવાદ થયો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ આ પુલ પર એક બેનર લગાવ્યું છે જેમાં માંગણી કરવામાં આવી છે કે પુલનું નામ દિવંગત અભિનેતા નાના પાટેકરના નામ પરથી રાખવામાં આવે. એના થોડા દિવસો પહેલા જ ભાજપના ધારાસભ્ય પરાગ શાહે આ પુલનું નામ કેપ્ટન સ્મિત મચ્છરના નામ પરથી રાખવાની માંગણી કરી હતી. શાહએ અધિકારીઓને પત્ર લખીને માંગણી કરી હતી કે, પુલનું નામ કેપ્ટન મચ્છરના નામ પરથી રાખવું જોઈએ. કેપ્ટન મચ્છર ભારતીય પાયલટ છે, જેમણે તેલઅવીવ જઈ રહેલી ફલાઇદુબઈની ફલાઈટને આતંકવાદી હુમલાથી બચાવી હતી. જોકે થોડા દિવસોમાં આ વિવાદ ગુજરાતી વિરુદ્ધ મરાઠી સુધી પહોંચી જાય તો નવાઈ નહીં, કારણ કે કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી છે જ્યારે નાના પાટેકર મરાઠી હતા.
'બિહારનું રાજકારણ ૩૫ વર્ષોથી ફોરવર્ડ વિરુદ્ધ બેકવર્ડ આસપાસ ફરે છે'
જનસુરાજ પક્ષના સ્થાપક, ધારાસભ્ય અને ચૂંટણી સ્ટ્રેટજીસ્ટ પ્રશાંત કિશોરનું કહેવું છે કે દર છ મહિને કે વર્ષે સરકાર અને વર્તમાન સિસ્ટમને જવાબદાર ઠેરવવાનો મોકો આવે છે. આજે આવો જ એક મોકો આવ્યો છે. તમે એનડીએને મત આપ્યા અને એનડીએની સરકાર બની. ભલે સરકાર પડે નહીં, કે હમણાની વ્યવસ્થા બદલાય નહીં, પરંતુ એક મજબૂત સંદેશો ચોક્કસ જશે.
સત્તામાં બેઠેલાઓ ડરશે. જે લોકોએ સત્તામાં બેસાડયા છે એમની પાસે સત્તામાંથી દુર કરવાની તાકાત પણ છે. બિહારના રાજકારણ વિશે પ્રશાંત કિશોર કહે છે કે, બિહારમાં નેતાઓ, મુખ્યમંત્રી અને કાયદો બનાવનારાઓની હાલત પર પ્રશ્નો થઈ રહ્યા છે કે જેમને લીધે બિહારના યુવાનો કોઈપણ ધ્યેય વગર ભટકી રહ્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી બિહારનું રાજકારણ સંપૂર્ણ રીતે ફોરવર્ડ વર્સિસ બેકવર્ડની આસપાસ ફરી રહ્યું છે.




