India

'સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે', ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસે વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના સરકારી પ્રયાસોનો આક્ષેપ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં 'છાત્રૌં કી ગૂંજ' કાર્યક્રમથી સરકાર ડરી રહી હોવાનું કહ્યું. કે.સી. વેણુગોપાલે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને ટીયર ગેસના આદેશ અંગે ગૃહમંત્રીની સ્પષ્ટતા માંગી. કોંગ્રેસે RSS પ્રમુખ મોહન ભાગવતના 'જેન ઝી' નિવેદન પર પણ પ્રહારો કર્યા. 10 વર્ષમાં 1 લાખ સરકારી શાળાઓ બંધ થવાનો આક્ષેપ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

'સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે', ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર

CONGRESS STUDENT PROTEST: કોંગ્રેસ સાંસદોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપવાથી બચી રહ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) પ્રમુખ મોહન ભાગવતના 'જેન ઝી'(Gen Z) અંગેના નિવેદનને લઈને પણ કોંગ્રેસે સરકાર અને સંઘ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં પ્રસ્તાવિત 'છાત્રૌં કી ગૂંજ' કાર્યક્રમને લઈને કહ્યું કે, સરકાર આ કાર્યક્રમથી ડરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના કાર્યક્રમો સાથે હંમેશાં આવું જ વર્તન કરવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં આવવા અંગેના પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એવું નથી લાગતું કે તેઓ સદનમાં આવશે. જો કોઈ ભૂલ થઈ હોય તો સરકારે તેની જવાબદારી લઈને સંસદમાં જવાબ આપવો જોઈએ.

કે.સી.વેણુગોપાલે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે પણ ગૃહમંત્રીની ગેરહાજરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે, ગૃહમંત્રી સદનમાં આવીને સ્પષ્ટતા કરે કે, વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો અને ટીયર ગેસ છોડવાનો આદેશ કોણે આપ્યો હતો. દેશ અને વિદ્યાર્થીઓ બંને આ પ્રશ્નોના જવાબ ઇચ્છે છે. કોંગ્રેસે આ અંગે લોકસભા અધ્યક્ષને સંસદીય કાર્યમંત્રીને સૂચના આપવા વિનંતી કરી છે, પરંતુ સંસદ સત્રના માત્ર 4 દિવસ બાકી હોવા છતાં ગૃહમંત્રી હજુ સુધી ઉપસ્થિત થયા નથી.

RSS પ્રમુખ સામે કોંગ્રેસના પ્રહાર

બીજી તરફ, RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસ સાંસદ મણિક્કમ ટાગોરે કહ્યું કે, RSS આ સમયે બેકફૂટ પર છે. તેમણે આરોપ લગાવ્યો કે, છેલ્લા 12 વર્ષોમાં RSSએ યુનિવર્સિટીઓ અને અન્ય શિક્ષણ સંસ્થાઓ પર પ્રભાવ સ્થાપિત કર્યો છે, પરંતુ હવે તેઓ રક્ષણાત્મક સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ અમર સિંહે શિક્ષણ વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારે શિક્ષણ મોંઘું કરી દીધું છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુવાનોને રોજગારી મળી રહી નથી, અને છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં લગભગ 1 લાખ સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે.

સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ પણ ઉમેર્યું કે, મોહન ભાગવત જે વાતો કહી રહ્યા છે, તે જ વાતો કોંગ્રેસ લાંબા સમયથી ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછું ગૃહમંત્રીએ સદનમાં ઉપસ્થિત રહીને વિપક્ષ અને દેશના સવાલોનો સામનો કરવો જોઈએ.