For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડીપફેકથી જાહેરાતોમાં ગરબડો કરનારા 1.2 કરોડ એકાઉન્ટ ગૂગલે બ્લોક કર્યા

Updated: Mar 29th, 2024

ડીપફેકથી જાહેરાતોમાં ગરબડો કરનારા 1.2 કરોડ એકાઉન્ટ ગૂગલે બ્લોક કર્યા

- 5000થી વધુ ચૂંટણીની જાહેરાતોનું વેરિફિકેશન થયું

- ડીપફેકનો ઉપયોગ કરીને યુઝર્સને ગેરમાર્ગે દોરતી 73 લાખ ઓનલાઈન જાહેરાતો હટાવાઈ

નવી દિલ્હી : જાહેરાતો બતાવીને છેતરપિંડી કરતાં એકાઉન્ટ્સ સામે ગૂગલે આકરી કાર્યવાહી કરી છે. આ પ્રકારના ૧.૨ કરોડ ગૂગલ એકાઉન્ટ્સ બ્લોક કરી દેવાયા છે. ગૂગલે એક રિપોર્ટમાં કહ્યું હતું કે આ એકાઉન્ટ્સ કંપનીની એડવર્ટાઈઝમેન્ટ પૉલિસીનું ઉલ્લંઘન કરતા હતા. ડીપફેક જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૂઠો પ્રચાર કરતા હતા. ફરિયાદો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગૂગલના વાર્ષિક અહેવાલમાં કહેવાયું હતું કે ડીપફેકની મદદથી જાહેરાતો બનાવીને યુઝર્સને બતાવતા તેમજ ગૂગલની જાહેરાત નીતિનું ઉલ્લંઘન કરતાં ૧.૨ કરોડ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ એકાઉન્ટ્સને તપાસ કર્યા બાદ બ્લોક કરી દેવાયા છે. ગૂગલે કહ્યું કે યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસી બાબતે કોઈ જ સમજૂતી કરી ન શકાય. તે કારણે આ પગલાં ભરાયા છે. ગૂગલના અહેવાલ પ્રમાણે જાહેરાત ડિસપ્લે કરવાના નામે ડીપફેક જેવી ટેકનિકનો ઉપયોગ કરીને યુઝર્સ સાથે છેતરપિંડી થતી હતી. જેમકે, થોડા સમય પહેલાં સચિન તેંડુલકરનો એક ડીપફેક વિડીયો સામે આવ્યો હતો. એ એક નકલી જાહેરાત હતી. યુઝર્સને પહેલી નજરે લાગે કે સચિને જ એ જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીમાં પણ ડીપફેકનો આવો ખોટો ઉપયોગ થઈ શકે છે તે અંગે ચેતવણી આપવામાં આવી હતી.

ગૂગલે કહ્યું કે ચૂંટણીઓને પારદર્શન બનાવવા માટે કંપની કાર્યરત છે. ૨૦૨૩માં ૫૦૦૦થી વધુ ચૂંટણીલક્ષી જાહેરાતોનું વેરિફેકિશન થયું હતું અને તે યોગ્ય છે કે નહીં એ ચકાસ્યા પછી જ ગૂગલ પ્લેટફોર્મ પર તેને મંજૂરી મળી હતી. ખોટી રીતે જાહેરાતો મૂકીને ગૂગલની પૉલિસીનું ઉલ્લંઘન કરતી ૭૩ લાખ જેટલી જાહેરાતો કંપનીએ પ્લેટફોર્મ પરથી હટાવી દીધી હતી. વેરિફિકેશન ન થયું હોય એવી જાહેરાતોને પણ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હોવાનો દાવો કંપનીએ કર્યો હતો. ગૂગલે કહ્યું કે એઆઈના કારણે હવે જાહેરાતોનું વેરિફિકેશન કરવાનું કામ કંપની માટે વધુ પડકારજનક બન્યું છે.

Gujarat