India

તેજસ ફાઈટર જેટ માટે અમેરિકાએ મોકલ્યા 3 નવા એન્જિન, HALને મળ્યા કુલ 10 એન્જિન

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર જેટ કાર્યક્રમને મજબૂતી મળી છે. અમેરિકન કંપની GE એરોસ્પેસે HAL ને વધુ 3 F404-IN20 એન્જિન સોંપ્યા છે. આ સાથે કુલ 10 એન્જિનની ડિલિવરી થઈ છે. આ એન્જિન સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ માટે છે. 2021ના 5,375 કરોડ રૂપિયાના કરાર હેઠળ 99 એન્જિનનો ઓર્ડર છે. GE ભારતના ફાઈટર જેટ્સને શક્તિ આપવા ગર્વ અનુભવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેજસ ફાઈટર જેટ માટે અમેરિકાએ મોકલ્યા 3 નવા એન્જિન, HALને મળ્યા કુલ 10 એન્જિન

Tejas Mk1A Fighter Jet : ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર જેટ કાર્યક્રમને મોટી મજબૂતી મળી છે. અમેરિકન કંપની જીઈ એરોસ્પેસે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને વધુ 3 F404-IN20 એન્જિન સોંપી દીધા છે. આ એન્જિન ખાસ કરીને સ્વદેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mk-1A ફાઈટર જેટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2026 માં આ 3 નવા એન્જિન મળવાની સાથે જ HAL ને અત્યાર સુધીમાં મળેલા કુલ એન્જિનની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. આ અગાઉ કંપનીએ 7મું એન્જિન ભારતને સોંપ્યું હતું. આ સમગ્ર સપ્લાય વર્ષ 2021 માં થયેલા એક મોટા સંરક્ષણ કરાર અંતર્ગત થઈ રહી છે. જીઈ એરોસ્પેસે જણાવ્યું છે કે તેઓ ભારતના સ્વદેશી ફાઈટર જેટ્સને શક્તિ પૂરી પાડવા માટે HAL અને ભારતીય વાયુસેના સાથે ભાગીદારી કરીને ગર્વ અનુભવે છે.

HAL અને GE એરોસ્પેસ વચ્ચે 2021માં થઈ હતી 5,375 કરોડ રૂપિયાની ડીલ

વર્ષ 2021માં HAL એ તેજસ Mk-1A ફ્લીટ માટે કુલ 99 એન્જિન ખરીદવાનો મોટો ઓર્ડર આપ્યો હતો. આ સમગ્ર કરાર આશરે 5,375 કરોડ રૂપિયાનો હતો. આ કરાર બાદ જીઈ એરોસ્પેસે પોતાનું પ્રોડક્શન ફરીથી શરૂ કરવું પડ્યું હતું. વાસ્તવમાં વર્ષ 2016માં HAL ને 65 એન્જિન પૂરા પાડ્યા પછી કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. ભારતના નવા ઓર્ડર બાદ 5 વર્ષથી બંધ પડેલી F404-IN20 પ્રોડક્શન લાઇનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાની વધતી માંગને સમયસર પહોંચી વળવા કંપનીએ ગ્લોબલ સપ્લાય ચેઇનને પણ ફરી સક્રિય કરી હતી.

તેજસમાં લાગનારા F404-IN20 એન્જિનની મુખ્ય વિશેષતાઓ

આ ખાસ F404 એન્જિન ભારતના સિંગલ-એન્જિન ફાઈટર જેટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જીઈ એરોસ્પેસના જણાવ્યા અનુસાર, આ એન્જિન પોતાની શ્રેણીમાં સૌથી વધુ થ્રસ્ટ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં એક હાઈ-ફ્લો ફેન અને આધુનિક સિંગલ-ક્રિસ્ટલ ટર્બાઇન બ્લેડ લગાવવામાં આવ્યા છે. મિલિટરી એવિએશનના ઇતિહાસમાં આ શ્રેણી સૌથી સફળ એન્જિનોમાંની એક માનવામાં આવે છે, જેના દમ પર વિશ્વભરના હજારો કોમ્બેટ એરક્રાફ્ટ સફળતાપૂર્વક ઉડાન ભરી રહ્યા છે. વર્ષ 2008 માં તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન એરક્રાફ્ટે Mach 1.1 ની શાનદાર ઝડપ હાંસલ કરી હતી.

ભારત અને GE એરોસ્પેસ વચ્ચેનો 4 દાયકા જૂનો સંબંધ

ભારત અને જીઈ એરોસ્પેસ વચ્ચેનો સંબંધ 1980 ના દાયકાથી સતત ચાલી રહ્યો છે, જ્યારે કંપનીએ ભારતના એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી સાથે સહયોગ શરૂ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2004 માં સિંગલ-એન્જિન તેજસ માટે F404-IN20 એન્જિનની પ્રથમ વખત પસંદગી કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ ડિલિવરી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કંપનીએ જણાવ્યું કે આ સપ્તાહે થયેલી એન્જિનની ડિલિવરી એ HAL સાથેના તેમના 40 વર્ષના સફળ સંબંધો અને ભાગીદારીનો જીવંત પુરાવો છે.