કરોડો કર્મચારીઓ માટે ખુશખબર : સરકાર લાવશે નવી પેન્શન સ્કીમ, જાણો શું છે પ્લાન?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO 3.0 Pension Scheme : કેન્દ્ર સરકાર દેશના કરોડો કર્મચારીઓની નિવૃત્તિ સુરક્ષાને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. EPFO 3.0 અંતર્ગત એક નવી પેન્શન યોજના લાવવાનો પ્રસ્તાવ છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એવા લોકોને મળશે જેઓ અત્યાર સુધી કર્મચારી પેન્શન યોજના (EPS)ના દાયરામાં નહોતા આવતા.
કોને થશે સૌથી વધુ ફાયદો?
આ નવી યોજનામાં મુખ્યત્વે ગિગ વર્કર્સ (જેમ કે ડિલિવરી બોય્ઝ અને ડ્રાઈવર્સ), પ્લેટફોર્મ વર્કર્સ, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ અને રૂ.15,000થી વધુ પગાર ધરાવતા ખાનગી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ સુધારા અંતર્ગત EPFOના ડિજિટલ પ્લેટફોર્મને વધુ આધુનિક બનાવીને કોર બેંકિંગ સોલ્યુશન (CBS) સાથે જોડવામાં આવશે, જેથી સભ્યોને ઝડપી સેવાઓ મળી શકે.
કેવી રીતે કામ કરશે આ યોજના?
નવી યોજના હેઠળ દરેક સભ્યનું ડિજિટલ પ્લેટફોર્મ પર એક અલગ પેન્શન ખાતું હશે. તેમાં કર્મચારી, માલિક અને સરકાર તરફથી મળતું યોગદાન જમા થશે, જેને લાંબા ગાળાની સુરક્ષિત સરકારી યોજનાઓમાં રોકવામાં આવશે. કર્મચારીની 60 વર્ષની ઉંમર પૂરી થવા પર આ જમા રકમને તે સમયના વ્યાજ દરના આધારે માસિક પેન્શનમાં બદલી દેવાશે.
55 વર્ષની ઉંમરે મળશે મોટો વિકલ્પ
આ યોજનાને વધુ ફ્લેક્સિબલ બનાવવામાં આવી છે. સભ્ય જ્યારે 55 વર્ષના થશે, ત્યારે તેમને પોતાની બચતનો ઉપયોગ કઈ રીતે કરવો તે નક્કી કરવાનો મોકો મળશે. રિટાયરમેન્ટ સમયે કર્મચારીઓ ઈચ્છે તો આખી રકમને પેન્શનમાં બદલી શકે છે અથવા સિસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) દ્વારા દર મહિને પોતાની જરૂરિયાત મુજબ પૈસા ઉપાડી શકે છે.
સ્માર્ટ ડિજિટલ ડેશબોર્ડ અને NPSથી તફાવત
સભ્યોને એક સ્માર્ટ ડિજિટલ ડેશબોર્ડ મળશે, જેમાં તેઓ જોઈ શકશે કે અત્યાર સુધી કેટલું ફંડ જમા થયું છે અને રિટાયરમેન્ટ સુધી અંદાજે કેટલું પેન્શન બનશે. આ યોજના નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) કરતાં અલગ હશે કારણ કે આમાં કર્મચારીઓને પોતાની જરૂરિયાત મુજબ પૈસા ઉપાડવાની વધુ આઝાદી મળશે. આ ઉપરાંત, સભ્યના મૃત્યુ બાદ તેમના પરિવારને આર્થિક મદદ આપવા માટે 'ફેમિલી બેનિફિટ ફંડ' બનાવવાનો પણ પ્રસ્તાવ છે.
કરોડો કામદારોને મળશે સામાજિક સુરક્ષા
ભારતમાં અંદાજે 55 કરોડ લોકોના કાર્યબળમાંથી લગભગ 41.8 કરોડ કર્મચારીઓ અસંગઠિત ક્ષેત્રમાં છે, જેમની પાસે કોઈ નિયમિત પેન્શન વ્યવસ્થા નથી. સોશિયલ સિક્યોરિટી કોડ, 2020 હેઠળ ગિગ વર્કર્સને પહેલા જ સામાજિક સુરક્ષામાં સામેલ કરાયા છે અને હવે આ યોજના તેમને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા આપશે. જોકે, હાલમાં આ પ્રસ્તાવ વિચારાધીન છે અને તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.








