Goa Night Club Fire : ઉત્તર ગોવામાં ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં આગ લાગવાની ઘટના ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ ઘટનાના 10 દિવસ બાદ ક્લબના ફરાર સહમાલિકો ગૌરવ અને સૌરભ લુથરાને થાઇલૅન્ડથી દિલ્હી લાવી છે. ગોવા પોલીસે ઍરપોર્ટ પર જ લુથરા બંધુઓની ધરપકડ કરી લીધી છે. 6 ડિસેમ્બરના રોજ નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. ત્યારબાદ બંને લુથરા બંધુઓ દેશ છોડીને થાઇલૅન્ડ જતા રહ્યા હતા.
લુથરા બંધુઓ ઘટનાના થોડા જ કલાકોમાં ફરાર થઈ ગયા હતા
નાઇટ ક્લબમાં આગ લાગવાની ઘટનાના થોડા જ કલાકોમાં લુથરા બંધુઓ થાઇલૅન્ડ ભાગી ગયા હતા. ત્યારબાદ તેમના વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા બ્લૂ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. બંને આરોપીઓને ભારત પરત મોકલવાની પ્રક્રિાય પહેલા થાઇલૅન્ડ સત્તાવાળાઓએ 11 ડિસેમ્બરે બંનેને કસ્ટડીમાં લઈ લીધા હતા. ભારતીય અધિકારીઓએ બંને ભાગેડુને પકડવા માટે થાઇલૅન્ડ સરકારના સતત સંપર્કમાં હતી. આ અગ્નિકાંડની ઘટનાની તપાસ કર્યા બાદ ક્લબમાં તમામ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તેમજ ક્લબના મેનેજમેન્ટમાં પણ અનેક ખામી હોવાનો ખુલાસો થયો હતો.
નાઇટક્લબના સ્ટ્રક્ચરમાં અનેક ખામીના કારણે સર્જાયો અગ્નિકાંડ
ગોવા પોલીસે લુથરા બંધુઓની ધરપકડ કર્યા પહેલા અગ્નિકાંડ કેસમાં પાંચ મેનેજર્સ અને સ્ટાફ મેમ્બર્સની ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે દિલ્હી કોર્ટે લુથરા બંધુઓની ધરપકડ મામલે અંતિમ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારીઓએ કહ્યું કે, નાઇટ ક્લબના સ્ટ્રક્ચરમાં અનેક ખામીઓ હતો અને ત્યાં આગ પર કાબૂ મેળવવા માટે કોઈપણ વ્યવસ્થા ન હતી. અર્પોરા પાછળ બનાવેલા નાઇટક્લબમાં બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો અને આ રસ્તો એક સાંકડા પુલ સાથે જોડાયેલો હતો. આ તમામ ખામીઓને કારણે અનેક લોકો બિલ્ડિંગમાંથી નીકળી શક્યા ન હતા.
નાઇટ ક્લબ પર બુલડોઝર ચલાવાયું
અનેક ખામીઓ સામે આવ્યા બાદ અને લુથરા બંધુઓ ફરાર થઈ ગયા બાદ નાઇટ ક્લબ પર બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આદેશ આપ્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નાઇટ ક્લબને તોડી પાડી હતી. નાઇટ ક્લબ સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવાયેલી હતી, ત્યારબાદ જિલ્લા તંત્રએ 9 ડિસેમ્બરે નાઇટ ક્લબ તોડી પાડી હતી.
નાઇટ ક્લબના સ્ટાફની પણ ધરપકડ
સાતમી ડિસેમ્બરે ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું હતું કે, અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ક્લબના માલિકો સૌરવ લુથરા અને ગૌરવ લુથરા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઇટ ક્લબમાં 6 અને 7 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભયાનક આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો : મોદી સરકારને નામ બદલવાનો 'વળગાડ', પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર


