પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા... ગોવામાં એક જ પરિવારના 4ના મોત

| (IMAGE - IANS) |
Goa Night Club Fire: ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા જાણીતા નાઇટક્લબ 'બિર્ચ બાય રોમિયો લેન'માં લાગેલી ભયાનક આગે માત્ર પંદર મિનિટમાં જ એક ખુશહાલ પરિવારના જીવનનો અંત લાવી દીધો. આ દુર્ઘટનામાં ગાઝિયાબાદથી રજાઓ માણવા આવેલા એક જ પરિવારના ચાર સભ્યોનું કરુણ મોત થયું છે. જોકે, પરિવારના એકમાત્ર બચી ગયેલા સભ્ય ભાવના જોશી જ જીવિત છે.
ગોવામાં એક જ પરિવારના 4ના મોત
શનિવારની મોડી રાત્રે ભાવના તેમના પતિ વિનોદ કુમાર અને તેમની ત્રણ બહેનો(અનિતા, સરોજ અને કમલા) સાથે નાઇટક્લબમાં પહોંચ્યા હતાં. બાંગાના એક હોટેલમાં રોકાયેલા આ પરિવાર માટે, ગોવાની આ સફર ખુશી અને શાંતિની પળોની ભેટ સમાન હતી અને આ સાંજ તેમની રજાઓની સૌથી યાદગાર ક્ષણ બનવાની અપેક્ષા હતી. જોકે, ક્લબમાં પ્રવેશ્યાની થોડી જ મિનિટોમાં અચાનક આગ ભભૂકી ઊઠી. પરિણામે, ચારે બાજુ અફરાતફરી મચી ગઈ અને ધુમાડો તેમજ આગની જ્વાળાઓ ઝડપથી ફેલાવા લાગી.
પત્નીને બચાવ્યા બાદ સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા
પોલીસના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ ગંભીર બનતા વિનોદ કુમારે પત્ની ભાવનાને તરત જ મુખ્ય પ્રવેશદ્વાર તરફ મોકલી દીધાં. ભાવના માંડ બહાર નીકળીને બેભાન અવસ્થામાં બેસી ગયાં. જોકે, વિનોદ ત્યાં ન રોકાયા. પત્નીને સુરક્ષિત કર્યા પછી, અંદર ફસાયેલી ત્રણ સાળીઓને બચાવવા તે ફરીથી કલબમાં ગયા. કમનસીબે, આગે વિનોદ અને તેમની ત્રણેય સાળીઓને ભરખી લીધા.
બહાર ઊભેલા ભાવના સતત પતિને ફોન કરી રહ્યાં હતાં. જ્યારે વિનોદનો મૃતદેહ બહાર લવાયો, ત્યારે તેમનો મોબાઇલ ફોન હાથમાં જ હતો, જેમાં ભાવનાનો છેલ્લો કોલ હતો.
જે રજાઓની શરૂઆત હાસ્ય સાથે થઈ હતી, તેનો અંત ક્લબની બહાર પોલીસના બેરિકેડિંગ અને રુદનમાં બદલાઈ ગઈ. ભાવના હવે એકલાં હતાં, તેમણે પતિ અને ત્રણેય બહેનોને ગુમાવી દીધાં હતાં. હોટેલના કર્મચારીઓ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો રાતોરાત ગોવા પહોંચ્યા. એક સંબંધીએ રડતાં જણાવ્યું કે, ઘરે બાળકો રાહ જુએ છે, પરંતુ તેમને સત્ય કહેવાની કોઈની હિંમત નથી.

