Get The App

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો...: દિગ્ગજ નેતા લાવ્યા બિલ

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
Private Member Bill


Private Member Bill: કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીએ સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્વતંત્રતા માટે એક મહત્ત્વપૂર્ણ લડાઈ શરુ કરી છે. તેમણે લોકસભામાં એક પ્રાયવેટ મેમ્બર બિલ (Private Member Bill) રજૂ કર્યું છે, જેમાં સારા કાયદા બનાવવા માટે સાંસદોને પાર્ટીના વ્હિપ(આદેશ)ની પકડમાંથી મુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ્ય છે કે સાંસદોને સામાન્ય ખરડા પર સ્વતંત્ર રીતે મતદાન કરવાની છૂટ મળવી જોઈએ.

પ્રાથમિકતા કોની: મતદારની કે વ્હિપની?

પક્ષપલટા વિરોધી કાયદા(Anti-Defection Law)માં સુધારો કરવા માટે શુક્રવારે આ બિન-સરકારી બિલ રજૂ કરતી વખતે મનીષ તિવારીએ એક મોટો સવાલ ઉઠાવતાં કહ્યું કે, 'આ બિલનો હેતુ એ શોધવાનો છે કે લોકશાહીમાં પ્રાથમિકતા કોની હોવી જોઈએ-તે મતદારની, જે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે કલાકો સુધી તડકામાં ઊભો રહે છે, કે પછી તે રાજનીતિની, જેના વ્હિપનું પાલન કરવા માટે પ્રતિનિધિ મજબૂર થઈ જાય છે?'

વ્હિપની ગુલામીમાંથી મુક્તિની માંગ

મનીષ તિવારીએ આ પહેલા પણ 2010 અને 2021માં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ સંસદ સભ્યોને અવિશ્વાસ અને વિશ્વાસ પ્રસ્તાવો, મુલતવી રાખવાનો પ્રસ્તાવ, નાણાકીય બિલ અને અન્ય નાણાકીય બાબતો જેવા સરકારની સ્થિરતા સાથે જોડાયેલા ખરડાને બાદ કરતાં અન્ય ખરડા પર સ્વતંત્ર રીતે મતદાન કરવાની સ્વતંત્રતા આપવાનો છે. 

તિવારીએ જણાવ્યું કે, 'આ બિલ એ હેતુથી રજૂ કરવામાં આવ્યું છે કે સાંસદોને પોતાની વિવેકબુદ્ધિ, પોતાના મતવિસ્તારના લોકો અને સામાન્ય સમજણના આધારે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ. એક ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાની પાર્ટીના વ્હિપનું પાલન કરવાને બદલે મતવિસ્તારના લોકોના હિસાબે કામ કરવું જોઈએ. પાર્ટીના વ્હિપના કારણે પ્રતિનિધિનું કોઈ મહત્ત્વ રહેતું નથી. આથી તેને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે વિચારવાનો અને કામ કરવાનો અધિકાર મળવો જોઈએ.'

10મી અનુસૂચિમાં સંશોધન(Amendment) માટે અપીલ

હાલમાં, જો કોઈ સાંસદ નાના-મોટા કોઈપણ બિલ પર પાર્ટીના 'વ્હિપ' વિરુદ્ધ વોટ આપે, તો તેનું સંસદ સભ્યપદ જતું રહે છે. આનાથી સાંસદને કોઈ પણ બાબતમાં પોતાના વિચાર રજૂ કરવાની આઝાદી મળતી નથી.

આ પણ વાંચો: આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે

પરંતુ આ નવા રજૂ કરવામાં આવેલા ખરડા અનુસાર સાંસદનું સભ્યપદ માત્ર 'ગંભીર' અને સરકારની સ્થિરતાને અસર કરતા મુદ્દા પર જ વ્હિપ તોડવા બદલ રદ થવું જોઈએ. એટલે કે સભ્યપદ રદ થવાનું જોખમ માત્ર નીચેના પાંચ મુદ્દા પૂરતું સીમિત હોવું જોઈએ...

1. વિશ્વાસ પ્રસ્તાવ (Confidence Motion)

2. અવિશ્વાસ પ્રસ્તાવ (No-Confidence Motion)

3. મુલતવી રાખવાનો પ્રસ્તાવ (Adjournment Motion)

4. નાણાકીય બિલ (Money Bill)

5. નાણાકીય બાબતો

આનો અર્થ એ છે કે, જો સરકાર પાડવાની કે બચાવવાની વાત હોય, તો જ સાંસદે પાર્ટી સાથે રહેવું ફરજિયાત છે.

પક્ષ માટે સૂચના જાહેર કરવાનો નિયમ

આ બિલમાં એક બીજો નિયમ પણ સૂચવવામાં આવ્યો છે, જેમાં જો કોઈ રાજકીય પક્ષ ઉપર જણાવેલ પાંચ ગંભીર મુદ્દામાંથી કોઈ એક પર તેના સાંસદો માટે નિર્દેશ (વ્હિપ) જાહેર કરે, તો પક્ષે શક્ય તેટલી વહેલી તકે તેની જાણકારી લોકસભા અધ્યક્ષ(Speaker) કે રાજ્યસભાના સભાપતિ (Chairman)ને આપી દેવી જોઈએ.

ટૂંકમાં, આ બિલ સાંસદોને સામાન્ય કાયદા પર સ્વતંત્ર રીતે વોટ આપવાની આઝાદી આપવા માંગે છે, જેથી તેઓ મતદારના હિતમાં નિર્ણય લઈ શકે, નહીં કે માત્ર પાર્ટીના દબાણ હેઠળ.

આ પણ વાંચો: નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત

બિલમાં શું કહેવામાં આવ્યું છે?

બિલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યારે કોઈ પક્ષ 'ગંભીર' મુદ્દા પર વ્હિપ વિશે ગૃહના સભાપતિ કે અધ્યક્ષને જાણ કરે, ત્યારે તેમણે ખાસ કરીને એ પણ જણાવવું પડશે કે જો કોઈ સાંસદ આ આદેશ નહીં માને, તો તેનું સભ્યપદ આપોઆપ રદ થઈ જશે. જોકે, આ પછી પણ સાંસદને એક અધિકાર મળશે, જેમાં સભ્યપદ ગુમાવવાની જાહેરાત થયાના 15 દિવસની અંદર તે સભાપતિ કે અધ્યક્ષ સમક્ષ અપીલ કરી શકશે. આ અપીલ પર સભાપતિ/અધ્યક્ષે 60 દિવસમાં નિર્ણય લેવો પડશે. મનીષ તિવારીના મતે, આ બિલના હેતુ બે છે: સરકારની સ્થિરતા જળવાઈ રહે અને સાથે જ સાંસદો-ધારાસભ્યોને કાયદાકીય નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી રહે.

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો...: દિગ્ગજ નેતા લાવ્યા બિલ 2 - image

Tags :