Get The App

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા 1 - image


Goa Fire Incident: ગોવાના પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આરોપી સૌરભ અને ગૌરવ લુથરા ઘટનાના પાંચ કલાક બાદ ભારતમાંથી ફરાર થઈ થાઈલેન્ડના ફૂકેટ ભાગી ગયા છે. ગોવા પોલીસે સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં આરોપીના ઠેકાણા અને વિદેશ ભાગી જવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે.

ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ ભાગ્યા

પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે 7 ડિસેમ્બરની સાંજ સુધીમાં બંને શખ્સો સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ ઇમિગ્રેશનનો સંપર્ક કરવામાં આવતા તેમને જાણવા મળ્યું કે બંને આરોપીઓ 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ જવા રવાના થયા હતા. આ અકસ્માત ગઈકાલે (7 ડિસેમ્બર) રાત્રે મધ્યરાત્રિની આસપાસ થયો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે બંને શખ્સ તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો

ગોવા પોલીસે બંને આરોપીઓને પકડવા માટે સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગનો પણ સંપર્ક કર્યો છે. આંતરરાષ્ટ્રીય મદદ મળે તે માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં 6 અને 7 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભયાનક આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હતા

ચારની ધરપકડ, માલિકો વિરુદ્ધ FIR

ગઇકાલ (7 ડિસેમ્બર) ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું કે, ‘અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ક્લબના માલિકો સૌરવ લૂથરા અને ગૌરવ લૂથરા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.’

આ પણ વાંચો: પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા... ગોવામાં એક જ પરિવારના 4ના મોત

ફટાકડાના કારણે આગ લાગી : મુખ્યમંત્રી

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી. 

મૃતકના પરિવારને અને ઈજાગ્રસ્તોને સહાય

સરકારે જાહેરાત કરી છે કે, મૃતકોના પરિવારજનોને SDRF ફંડમાંથી પાંચ લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર મૃતકોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ઘટના બાદ રોમિયો લેનમાં વધુ એક ક્લબ સિલ કરી દેવાઈ છે.

તપાસનો ધમધમાટ શરૂ

ઘટના ટાણે કેટલાક લોકો તુરંત દોડીને બહાર આવી ગયા હતા, જ્યારે કેટલાક આવી શક્યા ન હતા, જેના કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે અને એક અઠવાડિયામાં રિપોર્ટ પણ આવી જશે. ઘટનામાં બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે.

Tags :