Goa Police Bust Drug Racket : દેશભરના અનેક રાજ્યોમાં અવાર-નવાર માદક પદાર્થોનો જથ્થો મળતો રહે છે, ત્યારે ગુજરાત બાદ હવે ગોવામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગોવા ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હેઠળ ચિકલના, મુરગાંવ, ગોવા પાસે દરોડો પાડ્યો છે, જેમાં વાસ્કો દ ગામાના સી વ્યુ ઍપાર્ટમેન્ટમાંથી 45 વર્ષના યુવકને ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધો છે.
ડ્રગ્સની કિંમત 43.2 કરોડ રૂપિયા
ક્રાઇમ બ્રાન્ચે 45 વર્ષના નિબૂ વિન્સેન્ટ પાસેથી 4.325 કિલોગ્રામ સફેદ પાઉડર જેવો પદાર્થ જપ્ત કર્યો છે, જે કોકેઈન હોવાની સંભાવના છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 43.2 કરોડ રૂપિયા છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે વાદળી રંગનો વિવો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે, જેના દ્વારા ગેંગના સભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો.
ઝડપાયેલા યુવકની પૂછપરછમાં વધુ એક નામ ખૂલ્યું
ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન નિબુ વિન્સેન્ટે આ નેટવર્કમાં સામેલ અન્ય એક વ્યક્તિનું નામ આપ્યું છે. આ કેસની બીજી આરોપી હાર્બર રોડની રહેવાસી રેશ્મા વાડેકર છે અને તેની સામે પણ વધુ તપાસ ચાલી રહી છે.
'થાઇલૅન્ડથી 50 કરોડ રૂપિયાનું કોકેન ગોવામાં આવ્યું'
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, 50 કરોડ રૂપિયાનું કોકેન થાઇલૅન્ડથી ગોવા આવ્યું હતું. ગોવા જેવા પર્યટન સ્થળમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવતાં એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તેમણે વધુ તપાસ શરુ કરી છે.
ગુજરાતના દરિયાકાંઠે ઝડપાઈ હતી 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ
ગઈકાલે (14 એપ્રિલ) ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના એટીએસની ટીમને લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ બોટમાંથી મળી આવ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે શરુ કરાયેલા આ ઓપરેશનમાં ICGએ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા. ડ્રગ્સ અંગે માહિતી આપતાં ગુજરાત એટીએસના ડીઆઇજી સુનીલ જોશીએ કહ્યું કે, અમને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી એક ફિદા નામની વ્યક્તિ પોરબંદર 400 કિલો ડ્રગ્સ મોકલવાની છે. આ ડ્રગ્સને શ્રીલંકન બોટ રિસીવ કરવાની હતી. જોકે પાકિસ્તાની બોટ દરિયામાં જ ડ્રગ્સના પાર્સલ ફેંકી ભાગી ગઈ હતી. કોસ્ટગાર્ડ દ્વારા તેનો પીછો પણ કરાયો હતો પણ ત્યાં સુધીમાં તે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ગયા હતા.
આ પણ વાંચો : દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર


